નવી દિલ્હીઃપંજાબી ગાયક હની સિંહને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા તેને સુરક્ષા આપવામાં આવી છે. દિલ્હી પોલીસના બે જવાન હવે હની સિંહની સાથે ચોવીસ કલાક રહેશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે હની સિંહ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર આવ્યો હતો અને પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી કે, ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરફથી 50 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી છે. માંગ કરેલા પૈસા ન આપવા બદલ મારી નાખવાની ધમકી આપી છે.
Singer Honey Singh: હની સિંહને મારી નાખવાની ધમકી મળી, દિલ્હી પોલીસે સુરક્ષા પૂરી પાડી - ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર
ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળવાની ફરિયાદ પર દિલ્હી પોલીસે પંજાબી ગાયક હની સિંહને સુરક્ષા પૂરી પાડી છે. હની સિંહે દિલ્હીના પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી કે, ગોલ્ડી બ્રાર વતી તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે.
હની સિંહને મળી ધમકી: ગાયક હની સિંહે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદના આધારે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. હની સિંહની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઘટનાની તપાસ કરી રહી છે. સ્પેશિયલ સેલે સીબીઆઈ CBI અને NIA દ્વારા ઈન્ટરપોલનો પણ સંપર્ક કર્યો છે. દિલ્હી પોલીસે હની સિંહના વોઈસ મેસેજ પણ લીધા છે, જે કથિત રીતે ગોલ્ડી બ્રારે મોકલ્યા હતા. દિલ્હી પોલીસ તેમને ગોલ્ડી બ્રારના અવાજના નમૂના સાથે મેચ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર ધમકી: ઉલ્લેખનીય છે કે, ગોલ્ડી બ્રાર કેનેડામાં બેસીને ભારતમાં તેની ગેંગ ચલાવે છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ભારતમાં તેનો નજીકનો સહયોગી છે. હાલમાં જ દિલ્હી પોલીસે ગેંગસ્ટરો વિરુદ્ધ અભિયાન ચલાવીને મોટી કાર્યવાહી કરી છે. જેમાં અનેક ગેંગસ્ટરોના ઓપરેટિવની ધરપકડ કરવામાં આવી છે. હની સિંહ એ યો યો હની સિંહ તરીકે ઓળખાય છે. તેઓ સંગીત કલાકારની સાથે સંગીત નિર્માતા, રેપર, ગીતકાર અને અભિનેતા છે. તેઓ ભાંગડા અને હિપ હોપ સોન્ગથી શરુઆત કરી હતી, ત્યાર બાદ હવે તેઓ બોલિવુડ ફિલ્મ માટે ગીતો ગાય છે.