ભારતના ચૂંટણી પંચ દ્વાર ગુજરાતમાં ખાલી પડેલી છ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે, ત્યારે રાજ્યમાં ૬-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઇવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં 14.73 લાખ મતદારો મતદાન કરશે તથા 81 મતદાન મથક પરથી વેબ કાસ્ટિંગ થશે. તેમજ 1781 મથક પર મતદારો મતદાન કરી શકાશે.
સોમવારે સવારે 7 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે, ત્યારે પોલીંગ બુથ પર ચૂંટણીને લઈ EVM અને VVPATનું વિતરણ થઈ ચુક્યું છે. તેમજ EVM અને VVPATનું સ્ટ્રોંગરૂમમાથી ડિસ્પેચ કામગીરી પુર્ણ થઈ છે. તથા સુરક્ષાકર્મીઓ EVM અને VVPATની સુરક્ષા માટે તૈનાત થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને અમરાઈવાડી બેઠક પર વિજયના દાવા કરી રહ્યા છે. બાયડમાં 316 બુથ પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 1975 કર્મચારીઓ ફરજ બજાવશે. જો બેઠકોની સુરક્ષાની વાત કરીએ તો, બાયડમાં મતદાન સમયે સુરક્ષા માટે પેરામિલેટ્રીની 4 કંપનીઓ તૈનાત કરવામા આવી છે. લુણાવાડા અને રાધનપુર બેઠક પર ચૂંટણી અંતર્ગત પણ સુરક્ષાકર્મીઓ તૈનાત થઈ ચુક્યાં છે.
ખેરાલુ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તૈયારી અંતર્ગત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં 269 મતદાન મથકો પર 2.9 લાખ મતદારો મતદાન કરશે. મતદાન સમયે સુરક્ષા માટે 600 પોલીસકર્મીઓ પણ તૈનાત કરાયાં છે. સાથે જ સુરક્ષાનાં ભાગ રૂપે 3 PI,4 PSI અને 400 પોલીસ કર્મી, CISF-BSFની 2-2 ટીમ અને 100 હોમગાર્ડ તૈનાત રહેશે.
થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી અંતર્ગત 260 મતદાન કેન્દ્રો પર પ્રિસાઈડિંગ ઓફિસર તૈનાત કરાયાં છે. તેમજ 168 માઈક્રોઓબ્જર્વ, 320 મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ 55 સંવેદલશીલ કેન્દ્રો પર વેબ કેમેરાથી ચૂંટણી પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. થરાદમાં 2,17,849 મતદારો મતદાન કરશે. અહીં પણ પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો કારભાર સંભાળશે.