આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, માજી નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ગુજરાત ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન જેવા નેતાઓ મતદાન કર્યું હતું. રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું કે, ભાજપના કાર્યકરો અને મીડિયાનો હું આભાર માનું છું. રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. આંતરિયાળ વિસ્તારમાં રસ્તા અને પાણી મુદ્દે ડાંગના કેટલાક ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ક્યાંક EVM ખોટવાયા હતાં, ત્યારબાદ ખામી દૂર કરી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રની 7 બેઠક પર મતદાન
- સૌરાષ્ટ્રની 7 પૈકીની રાજકોટ, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર મતદાન શરૂ થયું હતું. સવારે 7 વાગ્યા પહેલા જ મતદારો મતદાન મથક પર પહોંચી ગયા હતા. મતદાન માટે મતદારોની લાઇનો જોવા મળી રહી હતી. CM રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સૌરાષ્ટ્રની 7 બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકાથી વધુ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ ઇવીએમ બંધની ફરિયાદો ઉઠી રહી હતી.
મધ્ય ગુજરાતની 7 બેઠકો પર મતદાન
- મધ્ય ગુજરાતની વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા અને આણંદ બેઠક પર મતદાન થયું હતું. સવારથી જ મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ બપોરના સમયે મતદાનની ગતિ ધીમી થઇ હતી. અહીં 7 બેઠકો પર સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ભરૂચ લોકસભા બેઠક પર સૌથી વધુ 69.42 ટકા મતદાન નોંધાયું છે. વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સવારે મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પણ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન કર્યું હતું. અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે મતદાન કર્યું હતું.