પક્ષનો યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો અને લઘુમતી મોરચા દ્વારા મતદાતાઓને આગામી દિવસોમાં એક જ મંચ હેઠળ લાવીને ઠેરઠેર મહાસંમેલનો યોજાશે .જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પક્ષ 'સૌનો સાથ, સૌનો વિકાસ' એ વિચારને ચરિતાર્થ કરતો પક્ષ છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર આ સંમેલનોમાં સમાજના છેવાડાના માનવીથી લઇ ટોચના લોકોને જોડવામાં આવશે.
કચ્છમાં ભાજપ દ્વારા અનેક મહાસંમેલનોનું આયોજન, ઉમેદવારને સમર્થનનો દાવો
કચ્છઃ જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અગાઉની અંતિમ તૈયારીઓને આકાર આપતા લોકો સુધી અવિરતપણે જનસંપર્ક અભિયાન જળવાઇ રહ્યું છે. જિલ્લા ભાજપના તમામ મોરચાઓએ સંયુક્તપણે મળીને આજથી કચ્છમાં વિવિધ સ્થળોએ મહાસંમેલનો યોજવાની રૂપરેખા ઘડી કાઢી છે. જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો દીઠ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડાને જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થઇ રહ્યાનો દાવો કરાયો હતો.
જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઇ ગોરે જણાવ્યું હતું કે, કચ્છમાં અત્યંત ઉત્સાહનો માહોલ છે. માવજીભાઇ ગુંસાઇ, મહેન્દ્રભાઇ ગઢવી, દિવ્યાબા જાડેજા, સામતભાઇ મહેશ્વરી અને આમદભાઇ જત ના માર્ગદર્શન હેઠળ આજે સવારે 10 વાગ્યે ભચાઉમાં ગાંધીધામ વિધાનસભા, સાંજે 5 વાગ્યે રાપરમાં, 18 એપ્રિલે સવારે 10 વાગ્યે અંજારમાં , સાંજે 5 વાગ્યે સુખપરમાં, 19 એપ્રિલે સવારે 10 વાગ્યે નલિયામાં, સાંજે 7 વાગ્યે મોટા લાયજા ખાતે મોરચા સંમેલનો યોજાશે તેવું જિલ્લા ભાજપ મીડિયા સહ ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.