અમદાવાદ : શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર વાસી ઉત્તરાયણના દિવસે સવારે ચિરાગ પાટીલ નામના યુવકને છરી ના ઘા ઝીંકવામાં આવ્યા હતા. બનાવના પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મેઘાણીનગર પોલીસે બે લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે.
શું હતો સમગ્ર બનાવ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક ચિરાગ પાટીલ બે દિવસ પહેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બાઈક હટાવવા મામલે બંને આરોપીઓ સાથે તેની તકરાર થઈ હતી. જેના બે દિવસ પછી એટલે કે વાસી ઉતરાયણના દિવસે મૃતક તેના મામા સાથે મેઘાણીનગર વિસ્તારમાં પસાર થઈ રહ્યો હતો. તે સમયે આરોપીઓ એક જગ્યાએ ઊભા હતા અને આરોપીઓને જોઈને મૃતકે તેના મામાને આજ લોકો સાથે તેનો ઝઘડો થયો હતો તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ ફરીવાર ઝઘડો શરૂ કરીને ઝપાઝપી કરી હતી અને બંને આરોપીઓએ ચિરાગ પાટીલની હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસે આરોપીઓને કેવી રીતે પકડાયા આ ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને થતા પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. આ ઘટના પાછળ જવાબદાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. જોકે પોલીસે અંતે આરોપીઓનું લોકેશન મેળવીને તેઓને હસ્તગત કર્યા છે. આ મામલે પકડાયેલા આરોપીને ધરપકડ કરવાની તજવીજ મેઘાણીનગર પોલીસ સ્ટેશન શરૂ કરી છે. તેવામાં આરોપીઓની તપાસમાં હત્યા પાછળનું ખરું કારણ જાણી શકાશે.