- વડોદરામાં કોરોના સંક્રમણ વધ્યું
- VMC દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી
- વેપારીઓમાં ફેલાયો રોષ
વડોદરા : VMC દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટનના નિયમોના ભંગ બદલ દુકાનો, શો-રૂમો, ખાણી-પીણીની લારીઓને સીલ મારવાની શરૂ કરેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
VMC દ્વારા કોવિડ ગાઇડલાઇનના ભંગ બદલ દુકાનો, શો-રૂમો, ખાણી-પીણીની લારીઓને સીલ કરાઇ લોકડાઉન કરી દો હેરાન પરેશાન ન કરો
વડોદરા વેપારી એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા કોવિડ 19નું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જો ખરેખર સંક્રમણ વધતું હોય તો લોકડાઉન કરી દો, પણ આમ વેપારીઓને હેરાન ન કરો.
દુકાનોને સીલ મારવાની કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી
વડોદરા વેપારી એસોસિએશનના સેક્રેટરી પરેશ પરીખે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જે વેપારીઓ દ્વારા માસ્ક પહેર્યું ન હોય અથવા જેની દુકાનમાં કામ કરતા કર્મચારીઓએ માસ્ક પહેર્યુ ન હોય, તેમજ દુકાન પાસે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોય, તેવા વેપારીઓની દુકાનો શો-રૂમો તેમજ ખાણી-પીણીની લારીઓને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે ખરેખર ગેરકાયદેસર છે.
પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ
વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ જેવી નીતિ અપનાવીને વેપારીઓને કમર ભાંગી રહ્યા છે. તેમ જણાવતા પરેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, વડોદરાના વેપારીઓ પણ કોરોના સંક્રમણ ન વધે તેનું ખાસ ધ્યાન રાખીને વ્યવસાય કરી રહ્યા છે. માત્ર વેપારીઓ દ્વારા જ કોરોના સંક્રમણ વધે છે તે માન્યતા ખોટી છે. જો ખરેખર કોરોનાના કેસ વધતા હોય અને વેપારીઓ દ્વારા જ કોરોનાના કેસ વધતા હોય તો લોકડાઉન જાહેર કરી દો. વેપારીઓ લોકડાઉન સહન કરવા તૈયાર છે, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભંગ બદલ દુકાનોને સીલ મારીને વેપારીઓના ધંધા પર અસર પહોંચાડવી યોગ્ય નથી.