- વડોદરા પોલીસનો નવતર અભિગમ
- સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બનાવમાં આવ્યો ચિલ્ડ્રન રૂમ
- બાળકો રમવા માટે રમકડાં અને સાઈકલ સહિત કાર્ટૂનવાળા સ્ટિકર લગાવામાં આવ્યા
વડોદરા: સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચિલ્ડ્રન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને રમવા માટે રમકડાં અને સાઇકલ છે અને દિવાલ પર કાર્ટૂનવાળાં સ્ટિકર લગાવવામાં આવ્યાં છે, તેમજ બાળકો રમવાની સાથે ભણી શકે એવાં પણ સ્ટિકર લગાવાયાં છે. ચિલ્ડ્રન રૂમને રંગબેરંગી ગુબ્બારા અને પટ્ટીથી શણગારવામાં આવ્યો છે.
પોલીસ માતાઓ બાળકોને આંખોની સામે રાખી પોતાની ફરજ બજાવી શકશે
વડોદરા પોલીસ સ્ટેશનમાં બનાવાયેલા ચિલ્ડ્રન રૂમમાં ન માત્ર મહિલા પોલીસ કર્મચારીનાં બાળકો પરંતુ અરજદારો કે આરોપીઓનાં બાળકોને પણ રાખવામાં આવે છે. તેમના માટે રૂમમાં બેસી રમીને મનોરંજન મેળવી શકે એવી વ્યવસ્થા કરાઇ છે. ચિલ્ડ્રન રૂમમાં પોલીસકર્મચારીઓનાં બાળકો રમે છે, મહિલા પોલીસકર્મચારીઓ પોતાનાં નાનાં બાળકોને ઘરે મૂકીને આવવાને બદલે પોલીસ સ્ટેશને લઇને આવે છે અને પોતાની આંખની સામે જ ચિલ્ડ્રન રૂમમાં બાળકોને રમવા છોડી દે છે.
ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચિલ્ડ્રન રૂમ તૈયાર કરાયો
વડોદરા પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચિલ્ડ્રન રૂમ તૈયાર કરાયો છે, જેનાથી બાળકોના મનમાં પોલીસ પ્રત્યેનો જે ડર કાઢી શકાય છે અને પોતાનાં બાળકોને અહીં મૂકીને મહિલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી શકે છે.