વડોદરા: મહાનગરપાલિકા (VMC) વર્ષ 2022માં અલગ-અલગ ક્ષેત્રોમાં વિવિધ વિકાસના કામો કરવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરા (Vadodara in 2022)માં, ફાયરસ્ટેશન, ફૂટબોલ સ્ટેડિયમ, 19 વહીવટી વોર્ડ સહીત આરોગ્યને પ્રાધાન્ય અપાશે અંગે વડોદરાના મેયર કેયુર રોકડીયા (Vadodara Mayor Keyur rokadiya)એ જાણકારી આપી હતી.
આરોગ્યને પ્રાધાન્ય અપાશે
મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 4 ઝોનમાં 50 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. તો કોરોનાકાળમાં ઓક્સિજનની ઉણપ સર્જાતા લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું હતું. ત્યારે આગામી વર્ષે વડોદરા શહેરમાં 75 અર્બન ફોરેસ્ટનો ઉછેર કરવામાં આવશે.
શહેરની મધ્યમાં બનશે ફાયરસ્ટેશન
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ફાયર સ્ટેશન (Vadodara fire station) આવેલું હતું. જે જર્જરિત થઈ જતા તોડી પડાયું હતું, ત્યારે ઘણા વર્ષોથી શહેરની મધ્યમાં ફાયરસ્ટેશન નહીં હોવાની સમસ્યા છે. જેથી વર્ષ 2022માં શહેરની મધ્યમાં નવીન ફાયરસ્ટેશન બનાવવામાં આવશે. સાથે સાથે ફોટો પ્રદર્શન માટે મહાનગરપાલિકાની કોઈ આર્ટ ગેલેરી નહીં હોવાની પણ વારંવાર ફરિયાદ ઉઠે છે, ત્યારે શહેરમાં મહાનગરપાલિકા હસ્તકની નવીન આર્ટ ગેલેરી બનાવવામાં આવશે. તેની સાથે વર્ષ 2022માં લોકભાગીદારીથી રેઇન વોટર રિચાર્જ, મિકેનિકલ અને સ્માર્ટ પાર્કિગ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવશે.