- વડોદરા હાઇપ્રોફાઇલ દૂષ્કર્મ કેસ
- 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ
- ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની તપાસ હાથ ધરાઇ
વડોદરા: શહેર પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, ત્યાર બાદથી લઇને આજદિન સુધી સમાજમાં હાઇપ્રોફાઇલ સ્ટેટસ ધરાવતા આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસની પકડથી દૂર છે. એક તરફ મામલાની તપાસ કરી રહેલી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જૈન પરિજનની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે, તો આજરોજ આરોપી અશોક જૈને કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી છે. આગોતરા જામીન અરજી અંગે 29 સપ્ટેમ્બર, બુધવારના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:રામોલ પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા
હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ
વડોદરાની એક યુવતી પર શહેરમાં હાઇપ્રોફાઇલ સ્ટેટસ ધરાવતા અશોક જૈન અને રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કેસ નોંધાયા બાદ પોલીસે મામલાની તપાસ કરી હતી. પોલીસ તપાસમાં કંઇ ઉકાળી ન શકતા આખરે મામલાની તપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આજની સ્થિતીએ હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ તપાસ સંસ્થાઓની પહોંચથી બહાર છે. મામલો હાઇ પ્રોફાઇલ લોકો સાથે સંકળાયેલા હોવાને કારણે પોલીસ ઢીલી કામગીરી કરી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.