- પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા તબીબોએ આંદોલન શરૂ કર્યુ
- GMERSના તબીબોએ ગોત્રી હોસ્પિટલમાં નોનકોવિડ સેવા બંધ કરી
- 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો કોવિડ સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી
વડોદરા: જિલ્લાની ગોત્રીની GMERS હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરોએ છેલ્લાં 10 વર્ષથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા સતત બે દિવસ બ્લેક ડે મનાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પરંતુ કોઈ કારણોસર ઉકેલ નહીં આવતા મંગળવારે નોનકોવિડ સેવા બંધ કરી ને દેખાવો કર્યા હતા અને 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો કોવિડ સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડૉક્ટર્સ કરી રહ્યા છે નિષ્ઠાથી સેવા
ગોત્રી GMERS ફેકલ્ટીના પ્રમુખ ડો.હિરેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી તમામ તબીબો નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી રહ્યા છે, તેમ છતાં સરકાર દ્વારા પગારનો વધારો કરવામાં આવ્યો નથી અને પીએક પણ કપાતો નથી, તેમજ પ્રમોશન તો મળતા જ નથી. સામાન્ય રીતે સફાઈ કામદારનો પણ પીએફ કપાતો હોય છે. પરંતુ તબીબોના પ્રત્યે ઉપેક્ષા સેવાઈ રહી છે, ઉપરાંત 7માં પગારપંચનો લાભ પણ મળ્યો નથી.તેમ છતાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરવામાં અમે પાછીપાની કરીને જોયું નથી.
વડોદરા: GMERSના તબીબોએ પડતરની માંગ સાથે આંદોલન શરૂ કર્યું આ પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલમાં પગાર સાથે કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવાની માગ સાથે 11 ડોક્ટર ધરણા પર ઉતર્યા
અનેક ડૉક્ટર્સ કોરોના સંક્રમિત
અનેક તબીબો કોરોના સંક્રમિત થયા છે, છતાં અમને વધારાનું વળતર પણ આપવામાં પણ સીઓ તદન નિષ્ફળ નીવડ્યા છે. તબીબો કોરોનાગ્રસ્ત થાય તો મેડિકલ ખર્ચ પણ તબીબોએ જ વેઠવો પડે છે. તેમાં પણ અમને રાહત આપવામાં આવતી નથી. અમારી આ નિસ્વાર્થ સેવા સામે અમને અમારા પરિવારની પણ ચિંતા રહે છે. સરકાર અને તંત્ર દ્વારા અમને માત્ર ને માત્ર આશ્વાસન કેમ આપવામાં આવી રહ્યા છે, તે સમજાતું નથી.
લડાઈ ચાલું રહેશે
અમને થતા હળાહળ અન્યાયનો અવાજ પહોંચાડવા માટે અમે નોનકોવિડ સેવા બંધ કરી છે. જો 24 કલાકમાં ઉકેલ નહીં આવે તો કોવિડ સેવા પણ બંધ કરવાની ફરજ પડશે, કારણ અમે હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છીએ. તેમ જણાવ્યું હતું.જ્યારે ડો.અદિતિ ધોળકીયાએ જણાવ્યું હતું કે અમારી નીતિ આ જ રહેશે,અમારો પ્રયત્ન સતત ચાલુ રહેશે.જ્યાં સુધી સરકારના કાને અમારી વાત પડે નહીં ત્યાં સુધી અમે આવી જ રીતે અમારી લડત ચાલુ રાખીશું.મંગળવારે અમારા કોવિડ વોર્ડમાં જે તબીબો કામ કરી રહ્યા છે.તે કામગીરી ચાલુ રાખશે કેમકે અમે પાક્કા પાયે માનીએ છીએ કે દર્દીઓનો કોઈ વાંક નથી અને દર્દીઓને કોઈ પણ નુકસાન પહોંચાડવાની અમારી ઇચ્છા નથી. પરંતુ એ રીતે અમારી આજથી લડત શરૂ કરી છે.પણ જો જરૂર પડશે તો કોવિડ વોર્ડમાં પણ કામ કરવાનું બંધ કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.