વડોદરાઃ આગ, અકસ્માત અને કુદરતી હોનારતો પર કાબૂ મેળવવા માટે વડોદરા શહેરના ફાયરબ્રિગેડમાં 11 કરોડના ખર્ચે નવા આધુનિક ફાયર વાહનો વસાવવામાં આવ્યા છે. 11 કરોડના ખર્ચે નવાં 4 આધુનિક ફાયર ફાઈટર ખરીદી લેવાયા છે. જેમાં 9 કરોડ 16 લાખના ત્રણ સ્પેશિયલ રિસ્પોન્સ ફાયર વ્હીકલ અને અઢી કરોડના ખર્ચે એક મલ્ટી ટાસ્કવાન લેવામાં આવી છે. ત્રણ નવાં ફાયર ફાઈટર વાહનમાં સ્પેશિયલ કેબિનમાં બેસી 6 માળ સુધી ઉંચાઈએ લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી શકાય છે. આ સાથે કેમેરાની મદદથી બિલ્ડિંગમાં લાગેલી આગનો અંદાજો પણ લગાવી શકાય છે.
જ્યારે ચોથું વાહન અકસ્માત સમયે જરૂર પડે તો ક્રેન પણ લગાવવામાં આવી છે. સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ઘણાં વર્ષો પછી વડોદરા મહાનગરપાલિકાએ આ 4 નવા આધુનિક વાહનો વસાવ્યાં છે. વડોદરા ફાયરબ્રિગેડ પાસે અત્યારસુધીમાં ઊંચી ઈમારતોમાં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરવાની સુવિધા નહોત, પણ હવેથી પાલિકાએ 11 કરોડના આ 4 આધુનિક વાહનો વસાવ્યાં છે. જેને દરજીપુરા ફાયરવિભાગમાં રાખવામાં આવ્યાં છે. જે ટૂંક સમયમાં સેવા આપતાં થઈ જશે.
11 કરોડના ખર્ચે વડોદરા મનપાએ વસાવી લીધાં અગ્નિશમનના આધુનિક સાધન આ અંગે માહિતી આપતા ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સ્વર્ણિમમાંથી ગ્રાન્ટ આવી હતી. જેમાં ચાર વોટર બાઉઝર લેવાના હતાં. જેને આપણે નામ આપ્યું હતું, સ્પેશિયલ રિસ્પોન્સ ફાયર વ્હીકલ. એમાંથી ત્રણ લીધેલા છે અને એક મલ્ટી ટાસ્ક વાન લીધી છે. જે રેસ્ક્યૂ ટેન્કર તરીકે ઉપયોગમાં લેવાશે. એક્સિડન્ટ રોડ એવો કોઈ બનાવ બને કે કોઇ ઇમારત ધસી પડે ત્યારે તેમાં તેનો ઉપયોગ થઈ શકશે. ત્રણ એડવાન્સ વોટર ટેન્ડર છે, જેમાં 20 મીટર ઉંચાઈ સુધી ગાડીએથી જ આગ પર કાબૂ મેળવી શકાય એવો બૂમ છે.
આ ઉપરાંત આ ગાડીમાં થર્મલ ઈમેજીગ કેમેરા મુકવામાં આવ્યાં છે. જેમાં ઊંચાઈએ પહોંચી ગયા પછી પાણીનો મારો ટાર્ગેટ પર છે કે કેમ તે નીચે ડિસ્પ્લેમાં દેખાશે જેથી આગનાં ટાર્ગેટ પર પૂરો કાબૂ મેળવી શકાશે. જે ત્રણ વોટર બાઉઝર છે એ અંદાજીત 9 કરોડ 16 લાખની આસપાસ અને જે એક રેસ્ક્યુ ટેન્ડર છે એ 2.50 અઢી કરોડની આસપાસ છે. આરટીઓ પાર્સિંગ બાકી છે, જે થઈ જશે પછી આ વાહનો સેવા આપતાં થઈ જશે.