વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સવાયાનગર આવેલું છે. જ્યાં રહેતાં 38 વર્ષીય મધુબહેન વિરજીભાઇ વણકરનું કોરોના વાઈરસના કારણે મોત નીપજ્યું છે. મધુબહેનનું શનિવારે મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં તેમના બે બાળક 16 વર્ષીય આકાશ અને બીજો પુત્ર 13 વર્ષીય મયુર નિરાધાર બન્યાં છે. આકાશ હાલ ધો-10માં અભ્યાસ કરી રહ્યો છે. અને તેનો નાનો ભાઇ મયુર ધો-8માં અભ્યાસ કરી રહ્યો છે.
કોરોનાએ લીધો માતાનો ભોગ, બે અનાથ બાળકોને મળી વડોદરા કાઉન્સિલરની મોટી મદદ - વડોદરા કાઉન્સિલર
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની મહામારીએ 2 બાળકને અનાથ બનાવી દીધાં છે. 6 માસ પૂર્વે પિતાનું કેન્સરમાં મોત નીપજ્યાં બાદ માતાએ શનિવારે મોડી રાત્રે કોરોના વાઈરસની બીમારીને કારણે અંતિમ શ્વાસ લીધાં હતાં. અનાથ થયેલાં બે બાળકની મદદે ભાજપના સ્થાનિક કાઉન્સિલર આવ્યાં હતાં. તેમણે 1 લાખની આર્થિક સહાય કરી પ્રેરણારૂપ પ્રયાસ કર્યો હતો.
મધુબહેન 10 દિવસ પહેલાં બીમારીમાં પટકાતાં તેઓને ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તરત જ હોસ્પિટલમાં તેઓની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, મધુબહેન કોરોનાનો સામનો કરી શક્યાં ન હતાં. અને શનિવારની મોડી રાત્રે અંતિમ શ્વાસ લઇ લીધો હતો. માતાનું મૃત્યુ થતાં આકાશ અને મયુર ઉપર આભ ફાટ્યું હતું. નિરાધાર બની ગયેલાં બંને ભાઇઓ એકબીજાને સાંત્વના આપતાં હતાં અને પોતાની જિંદગી ભગવાન ઉપર છોડી દીધી હતી.
આ સંજોગોમાં વિસ્તારના વોર્ડ નં-10ના ભાજપના કાઉન્સિલર નીતિનભાઇ ડોંગા તેઓ પાસે પહોંચ્યાં હતાં. અને તેઓનું આગામી 12 મહિના સુધી ગુજરાન ચાલે તે રીતે પ્રતિ માસના રૂપિયા 8 હજાર મળી 1 લાખના બેરર ચેક આપીને મદદરૂપ થયાં છે.