વડોદરા: રાજ્યમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ (Vadodara Corona Update)માં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. વડોદરામાં આજે 176 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસ 73,411 થયા છે, જેમાં 722 એક્ટિવ કેસ (Active case in Vadodara) છે, કુલ 72,066 દર્દીને રજા આપવામાં આવી છે, સાથે જ કુલ 29,86,634 લોકોનું રસીકરણ (Vaccination in Vadodara) કરવામાં આવ્યુ છે, જેમાં કુલ 51,149 બાળકોને વેક્સિન આપવામાં આવી છે. ઓમિક્રોન (Omicron in Vadodara)ના કુલ 42 કેસ છે જેમાથી 30 કેસ એક્ટિવ છે.
આજે ઓમિક્રોનનો એક પણ કેસ નહીં
વડોદરામાં રોજબરોજ કોરોનાના દર્દીઓ વધવાની સાથે ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. જોકે આજે વડોદરામાં ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધાતા તંત્રએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે. જેની સાથે સાથે ગઈકાલે વડોદરામાં કોરોનાના 181 કેસ નોંધાયા હતા. જેમાં આજે આંશિક ઘટાડા સાથે 176 નવા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જોકે, જે રીતે કોરોના સદી ફટકારી રહ્યો છે તેને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે.
જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનું ગઠન
આજે વડોદરા પોલીસ કમિશ્નર (Vadodara Municipal Commissioner), મ્યુ. કમિશ્નર સહિતના ઉચ્ચાધિકારીઓની બેઠક મળી હતી. જે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમમાં વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના કર્મચારી રહેશે અને પોલીસ કમિશ્નર શમશેરસિંઘ અને મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલની આગેવાનીમાં સંયુક્ત કામગીરી કરશે. આવતીકાલથી આ ટીમ પાર્ટીપ્લોટ, માર્કેટ, મલ્ટીપ્લેક્ષ સહિતની જાહેર જગ્યાએ તપાસ કરશે. જેઓ ત્યાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરશે. માસ્ક નહી પહેર્યું હોય, સોશિયલ ડિસ્ટન્સ નહીં હોય તો પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.