વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની ઉત્પાદક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેને પગલે કેદી બંધુઓને નવા હુન્નરો અને કૌશલ્યો શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે.
લોકડાઉનમાં પણ સેન્ટ્રલ જેલમાં અનુકૂળતા પ્રમાણે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી. લોકડાઉનમાં દરજી વિભાગના 10 કેદીઓએ 20 હજાર માસ્ક બનાવ્યા છે. આ માસ્ક તમામ કેદીઓ, અધિકારીઓ અને કામ કરતા કર્મચારીઓ ઉપરાંત અન્ય કચેરીઓને પૂરાં પાડવામાં આવ્યાં હતા.