વડોદરાઃ શહેરના વિવિધ એર કંડીશનર ડિલર દ્વારા લોકડાઉન 3.0માં શહેરના ગ્રીન ઝોન વિસ્તારમાં રેફ્રિજરેટર એન્ડ એરકન્ડીશનરની સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા.
વડોદરામાં એર કંડીશનર ડીલર એસોસિએશન દ્વારા ગ્રીન ઝોન એરિયામાં દુકાનો ખોલવાની કરી માગ - કલેક્ટર કચેરી
વડોદરા શહેરના એર કંડીશનર ડીલર એસોસિએશન દ્વારા શનિવારના રોજ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી ગ્રીન ઝોન એરીયામાં દિવસમાં ત્રણ ચાર કલાક પોતાનો ધંધો શરૂ કરી શકે તેવી માંગ સાથે રજૂૂઆત કરી હતી.
દેશભરમાં લોકડાઉન હોવાથી તમામ વ્યવસાય હાલ બંધ હાલતમાં હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. એવામાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવામાં શહેરીજનોને એસી, રેફ્રિજેરેટરની સુવિધા મળી રહે તેવા હેતુસર વિવિધ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત કરવા માટે લોકડાઉનનો ભંગ કરાતા રાવપુરા પોલીસ મથકના પીઆઇ,એસીપી "સી" ડિવીઝન મેઘા તેવર સ્થળ પર આવી તમામ અગ્રણીઓ વિરુદ્ધ લોકડાઉનમાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે આ સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ વેપારીઓ વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આ બાબતની રજૂઆત કરવાનું જણાવ્યું હતું.