- વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી કરી રહી છે તૈયારીઓ
- ગોપાલ ઈટાલીયા વડોદરાની મુલાકાતે
- અનેક લોકો આપમાં જોડાયા
વડોદરા : ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને તમામ પાર્ટીઓ તૈયારીમાં કુદી પડી છે. રાજ્યમાં હાલમાં આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ઘણી સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાર્યક્રમ સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરા નેશનલ હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાઘોડિયાના કોંગ્રેસ અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર રાજુ અલવા, પાદરા ભાજપાના અગ્રણી જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નિરંજન જોષી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતાઅને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.
મોટી સંખ્યા લોકો આપમાં જોડાઈ રહ્યા છે
આમ આદમી પાર્ટીના યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કોર્પોરેશનની ચૂંટણીઓમાં સુરત શહેરમાં આપને સારી સીટો મળી છે આમ આદમી પાર્ટીનું સંગઠન નાનું છે પણ મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે હરીફ પક્ષો જેટલું ફંડ પણ નથી છતાં હરીફ પક્ષો અમને લોકો સમક્ષ જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જે યોગ્ય નથી.