- રાત્રિ કરફ્યૂ દરમિયાન દારૂના નશામાં ફરી રહ્યા હતા
- એક વખત પોલીસે રોકતા બાઈક ઉભું રાખ્યુ ન હતું
- પોલીસે બન્ને વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો
વડોદરા: કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. ત્યારે મંગળવારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ગેંડીગેટ દરવાજા પાસે દારૂના નશામાં વીડિયો રેકોર્ડિંગ કરી રહેલા 2 બોગસ પત્રકારોને વાડી પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે બન્ને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાડી પોલીસે રાત્રિ કરફ્યૂ દરમિયાન દારૂના નશામાં ફરી રહેલા 2 બોગસ પત્રકારોને પકડ્યા ચાલુ બાઈક પર વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા
વાડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ગેંડીગેટ દરવાજા પાસે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બાઈક પર બે યુવાનો વીડિયો રેકોર્ડિંગ કરતા જઈ રહ્યા હતા. જેમને રોકીને પૂછપરછ કરતા બાઈક ચાલક રાકેશ પાસવાન અને પાછળ બેસેલો ગોવિંદ ગુપ્તા હોવાનું સામે આવ્યું હતું. તેમને રાત્રિ દરમિયાન બહાર નિકળવાનું કારણ પૂછતા તેઓ AS24 નામની ચેનલના પત્રકાર હોવાની ઓળખ આપી હતી. તેમના આઈકાર્ડ તપાસતા બન્ને બોગસ પત્રકારો હોવાનું સામે આવ્યું હતું.
પહેલી વખત બાઈક ઉભી રાખી ન હતી
વાડી પોલીસ સ્ટેશનના પી. આઇ. કે. પી. પરમારે જણાવ્યું હતું કે, પોલીસના જવાનો ગેંડીગેટ દરવાજા પાસે રાત્રિ કરફ્યૂની અમલવારી માટે બંદોબસ્તમાં હતા. ત્યારે પૂરઝડપે એક પલ્સર બાઈક ત્યાંથી પસાર થયું હતું. પોલીસ જવાનોએ તેમને ઉભા રહેવાનું કહેવા છતા પણ ઉભા રહ્યા ન હતા. થોડીવાર પછી તેઓ પરત આવતા તેમને રોક્યા હતા. અને બંને શખ્સોની પૂછપરછ કરતાં રાકેશ પાસવાન AS24 ચેનલ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી બીજું સમય ન્યૂઝનું પણ આઈકાર્ડ મળી આવ્યું હતું. બન્નેની ચાલ ચલગત પણ વ્યવસ્થિત ન લાગતી હોવાથી બ્રેથ એનેલાઈઝર વડે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને દારૂના નશામાં હોવાનું પુરવાર થતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ પણ સેંકડો બોગસ પત્રકારો વિરૂદ્ધ નોંધાયા છે ગુના
વડોદરા શહેર-જિલ્લામાં બોગસ પત્રકારોનો રાફડો ફાટી નિકળ્યો છે. 200થી લઈને 2 હજાર રૂપિયા સુધીમાં બોગસ પત્રકારો આઈકાર્ડ બનાવડાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ સમા પોલીસ સ્ટેશનમાં બોગસ પત્રકારો વિરૂદ્ધ ખંડણી માંગવાનો ગુનો દાખલ થયો છે. અગાઉ પણ મકરપુરા પોલીસ સ્ટેશન, માંજલપુર પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, જેપી રોડ પોલીસ સ્ટેશન, પાદરા પોલીસ સ્ટેશન સહિતના ઘણાબધા પોલીસ સ્ટેશન્સમાં બોગસ પત્રકારો વિરૂદ્ધ ગુના નોંધાયા છે.