- એક હજારથી વધુ વસ્તી ધરાવતા ઉરદ ગામમાં કોરોના પ્રવેશતા હાંફી ગયો
- કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગામમાં એક પણ કેસ આવ્યો નથી
- કોવિડ કેર સેન્ટર છે પરંતુ ત્યાં કોઈ દર્દી નથી
વડોદરા: આ વાત છે વડોદરા કરજણ તાલુકાના માત્ર 1073ની જનસંખ્યા ધરાવતા ઉરદ ગામની. પ્રથમ દૃષ્ટિએ તો આ ગામની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ગામના સતર્ક સરપંચશ્રી પ્રશાંતભાઈ પટેલ અને તેમની ટીમે કોરોનાની બીજી ખતરનાક લહેરમાંથી ગામને બચાવી 'મારું ગામ-કોરોના મુક્ત ગામ' અભિયાનને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે.
એક હજારથી વધુ વસ્તી ધરાવતા ઉરદ ગામમાં કોરોના પ્રવેશતા હાંફી ગયો ગ્રામજનો નિયમોનું અસરકારક પાલન કરે છે
કોરોનાના બીજા મોજામાં ગામડાઓ પણ સંક્રમણ વધ્યું પરંતુ ઉરદ ગામ કેવી રીતે કોરોના સંક્રમણથી બાકાત રહ્યું તે અંગે સરપંચ શ્રી પ્રશાંતભાઈ પટેલ કહે છે કે, ગ્રામજનોની સતર્કતા અને સરકારના નિર્દેશોનું સખ્ત પાલન થવાથી ગામમાં કોરોનાનો પગપેસારો થયો નથી. ગ્રામજનો પણ ગામને કોરોનાથી મુક્ત રાખવા માસ્ક, સામાજિક અંતર, વારંવાર હાથ ધોવા જેવા નિયમોનું અસરકારક પાલન કરે છે. જેને કારણે કોરોનાની બીજી લહેરમાં અમારૂં ગામ કોરોના મુક્ત રહ્યું છે.
આ પણ વાંચો: 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
કોવિડ કેર સેન્ટર છે પરંતુ ત્યાં કોઈ દર્દી નથી
સરપંચે જણાવ્યું કે, સમગ્ર ગામને 7 વાર સેનિટાઇઝ કરવા સાથે પીવાના પાણીની ટાંકીની સફાઈ વારંવાર કરવામાં આવે છે. લોકો કોઈ બીમારીનો ભોગ ન બને ગામને કોરોના મુક્ત રાખવામાં શિક્ષકો,આશા વર્કર, આંગણવાડી કાર્યકરનો મહત્વનો ફાળો રહ્યો છે. ગામમાં પ્રાથમિક શાળામાં સામુહિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, પણ ત્યાં હાલમાં કોઇ દર્દી નથી.
75 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ
કરજણ તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અમલદાર ડો.પ્રશાંતસિંહે જણાવ્યું કે, ઉરદ ગામમાં કોરોનાની ઘાતક બીજી લહેરમાં છેલ્લા એક માસ દરમિયાન એક પણ કેસ નોંધાયો નથી. પ્રથમ લહેરમાં ગામમાં બે કેસ નોંધાયા હતા. જેઓ હાલમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ગ્રામજનોની જાગૃતિને કારણે ગામમાં 75 ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ છે. ગામમાં 135 રેપિડ એન્ટીજન અને 30 RT-PCR સહિત 165 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાયેલી નથી.
આ પણ વાંચો: પોરબંદરના ગામડાઓમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાશે
સાધન-સામગ્રી કે દવાની કોઈ કમી નથી
કોરોના મહામારીથી બચવા લોકો સ્વયં નિર્ધારિત પ્રોટોકોલ જાળવે તો કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય છે. જે ઉરદના ગ્રામજનોએ સાચે જ સાર્થક કર્યું છે. કરજણ તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં સાધન-સામગ્રી કે દવાની કોઈ કમી નથી. તેમ પ્રશાંતસિંહે ઉમેર્યું હતું.
ગ્રામજનો આરોગ્ય બાબતે ખૂબ જ સચેત અને જાગૃત
ગ્રામજન અજયકુમાર પુરોહિત કહે છે કે, સરપંચ ગામને નિરોગી રાખવા માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. સરકાર તરફથી પણ જરૂરી તમામ સહયોગ મળી રહ્યો છે. આશા વર્કર લતાબેન જણાવે છે કે, ગામ સ્વચ્છ અને નિરોગી રહે તે માટે દરરોજ 40 ઘરનો સર્વે કરવામાં આવે છે. ઘરે-ઘરે ક્લોરિન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે છે. તાવના દર્દીઓ જણાય તો સ્લાઇડ લઈ જરૂરી દવાઓ આપવામાં આવે છે. ગામ લોકો પણ પોતાના આરોગ્ય બાબતે ખૂબ જ સચેત અને જાગૃત છે.
નાનકડા ઉરદ ગામની જનશકિતએ પોતાની સામુહિક શક્તિથી કોરોનાને ગામવટો આપી અન્ય ગામોને નવી દિશા ચીંધી છે.