વડોદરાઃ વડોદરા શહેર ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે ગોરવા, હાઇટેન્શન રોડ પર વિમલનાથ કોપ્લેક્સ સામે આવેલી મહાલક્ષ્મી ગેસ એજન્સીના બે કર્મચારી જાહેર વિતરણ માટેના ઘરેલુ એલપીજી ગેસની બોટલમાંથી સીલ ખોલી થોડો થોડો ગેસ કાઢી લઇ અન્ય ખાલી બોટલો ભરીને વેચી રહ્યાં છે તેવી બાતમી પોલીસને મળી હતી. પોલીસે આ બાતમીના આધારે દરોડો પાડી મહાલક્ષ્મી ગેસ એજન્સીના કર્મચારીઓ વિજય ઉર્ફે ટીનો રમેશ માછી તથા સતીશ ચંદ્રકાંત રાજપૂત ( બંને કિશનવાડી ) ને ઝડપી લીધા હતાં
બાટલામાંથી ગેસની ચોરી કરતાં ઝડપાયાં એજન્સીના જ બે કર્મચારી
વાડે જ ચીભડાં ગળ્યાં તે કહેવતને યાદ કરાવતો બનાવ વડોદરામાં સામે આવ્યો હતો. વડોદરાની એક ગેસ એજન્સીમાંથી બાટલામાંથી ગેસ ચોરી લેતાં બે કર્મચારીઓ ઝડપાઈ ગયાં હતાં. વડોદરા ગોરવા હાઇટેન્શન રોડ પર મહાલક્ષ્મી ગેસ એજન્સીના બે કર્મચારીઓ બોટલમાંથી ગેસ ચોરી કરતાં ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધાં હતાં.
બાટલામાંથી ગેસની ચોરી કરતાં ઝડપાયાં એજન્સીના જ બે કર્મચારી
તેમની પાસેથી ઘરેલુ એલપીજી ગેસના 15 ભરેલા સિલિન્ડર, જ્યારે 7 ખાલી બોટલ મળી આવ્યાં હતાં. પોલીસે 95,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને જણાં ગ્રાહકોને વિતરણ કરવાના ગેસના બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરી લેતાં હતાં. આ ભરેલા સિલિન્ડર નિયત સ્ટોક મુજબના છે, તેવો ગ્રાહકોને વિશ્વાસ આપી છેતરપિંડી કરતાં હતાં. તેમની સાથે મિલીભગતમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દા પર ગોરવા પોલીસે તપાસ શરૂ કરી હતી.