- રથયાત્રા પહેલા રૂટ પર શહેરભરમાં બેરીકેડીંગ સાથે પોલીસ બંદોબસ્ત
- સગર્ભા મહિલાને હોસ્પિટલે જતા પોલીસના જવાનોએ અટકાવી
- એસ.ટી. ડેપો બહાર પ્રવાસીઓ બેસી રહેવા માટે મજબુર બન્યા
વડોદરા:શહેર સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી હતી. વડોદરામાં પોલીસે રથયાત્રાના રૂટ પર અનેક જગ્યાઓએ બેરીકેડ મારી દીધા હતા. જો કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા કર્ફ્યુનુ પાલન કરાવવામાં આવશે તેવું અગાઉથી જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા સમયસર રથયાત્રા પુર્ણ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ કેટલીક જગ્યાએ ગેરવહીવટના કારણે અવ્યવસ્થા સર્જાઇ હતી. શહેરના ગાંધીનગર ગૃહ પાસે રથયાત્રાના સમયે સગર્ભા મહિલા હોસ્પિટલ જવા માટે નીકળી હતી. પરંતુ ઘરની બહાર નિકળતા જ તેને પોલીસનો લોખંડી બંદોબસ્ત હોવાનું ધ્યાને આવ્યું હતું. મહિલાએ દવાખાને જવાનું જણાવવા છતાં અને તેઓ સગર્ભા હોવાનું દેખાવવા છતાં પોલીસે તેમને આગળ જતા અટકાવ્યા હતા.
મીડિયા કર્મીઓની દરમિયાનગીરી
એક તબક્કે મહિલા અસમંજસમાં મુકાઇ ગઇ હતી. સ્થળ પર હાજર પોલીસ જવાનોએ મહિલાની સ્થિતિ જોવા છતાં કોઇ પણ પ્રકારે મદદ કરવાની તૈયારી દર્શાવી ન હતી. આખરે સમગ્ર ઘટના સ્થળ પર રથયાત્રાનું કવરેજ કરતા મીડિયા કર્મીઓના ધ્યાને આવતા તમામે દરમિયાનગીરી કરીને મહિલાને દવાખાને જવા સુધીની વ્યવસ્થા કરી આપી હતી.
બેરીકેડ મારીને પોલીસનો બંદોબસ્ત
વડોદરામાં સૌથી વધુ વાહનોની અવર-જવર ધરાવતા વિસ્તારોમાં કાલાઘોડા સર્કલનો સમાવેશ થાય છે. આજે વહેલી સવારથી જ કાલાઘોડા સર્કલથી એક તરફથી બીજી કોઇ તરફ જવા માટેનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ બેરીકેડ મારીને પોલીસનો બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. જેને કારણે કાલાઘોડા સર્કલ પર પોલીસ અને શહેરીજનો વચ્ચે મોટી સંખ્યામાં રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે પોલીસ અને ટુ વ્હીલર ચાલકો વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા સ્થળ પર હાજર સિનીયર પોલીસ કર્મીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.