- SRP જવાને પોતાનો ધર્મ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી
- લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ
- મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ધાકધમકી આપી
વડોદરા:શહેરમાં SRP જવાને પોતાનો અસલ ધર્મ છુપાવીને પરિણીતાને ફસાવ્યા પછી લગ્નનો ભરોસો આપીને દુષ્કર્મ આચર્યુ હતું. જવાન મુસ્લિમ હોવાની વાત બહાર આવતા તેણે પરિણીતાને પણ હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ શરૂ કર્યુ હતુ. પરિણીતાનો વીડિયો ઉતારીને SRP જવાને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતુ. છેવટે પરિણીતાએ આ અંગે વડોદરા શહેરના સીટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
13 જૂન 2020 ના રોજ ફેસબૂક પર મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ
શહેરના મધ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાએ આપેલી ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે, મારા પતિ દુબઇ નોકરી કરે છે અને હું મારા 2 બાળકો સાથે વડોદરામાં રહું છું. સુરતના મોહંમદ એઝાઝ ઇકબાલ શેખે મને 13 જૂન 2020 ના રોજ ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા અમારી વચ્ચે વાતચીત શરુ થઇ હતી. મોહંમદ એઝાઝે મને કહ્યું હતું કે, હું હિન્દુ છુ. મારું નામ અનિલ પરમાર છે. હું અપરિણીત છું. તેમ કહીને તેણે મારી સાથે મિત્રતા કરી પ્રેમનું નાટક રચ્યુ હતું. હું તારી સાથે લગ્ન કરીશ એવો ભરોસો આપતા અમે સંબંધ આગળ વધાર્યા હતા. તેણે મારા ઘરે આવવાનું શરૂ કર્યું હતું. તેણે મારી સમક્ષ લગ્નનું પ્રપોઝલ મુક્યુ હતું. મેં તેને કહ્યું કે, હું પરિણીત છુ. મારે 2 બાળકો છે. હું લગ્ન કરી શકુ નહીં. આપણે એક મિત્ર બની શકીએ એટલી જ મારી મર્યાદા છે. પરંતુ, તેણે મને એવુ કહ્યું કે, હું તને તારા પતિ સાથે છુટાછેડા અપાવી દઇશ. તારા બાળકોને પણ રાખીશ. તેણે અવાર-નવાર મારા ઘરે આવી મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એક હોટલમાં લઇ જઇ બાંધતો શારીરિક સંબંધ