- રાત્રિ કરફ્યૂ દરમિયાન રાજાપાઠમાં ફરી રહ્યા હતા બે લોકો
- પોલીસે રોકતા બે પૈકી એકે પોતે PCBમાં હોવાનું જણાવ્યું
- કાર સાઈડમાં ઉભી રાખવાનું જણાવીને બન્ને ફરાર થઈ ગયા
વડોદરા: શહેરના માંજલપુર પોલીસે સુસેન ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન PCB શાખાના પોલીસ કર્મચારીને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા બાદ કારમાંથી વિદેશી શરાબની 2 બોટલો કબજે કરી છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કાર સાઈડમાં ખસેડવાના બહાને પોલીસકર્મી અને અજાણ્યો કારચાલક કાર લઈને નાસી છૂટતા માંજલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાંથી દારૂની 2 બોટલો પણ મળી આવી
વડોદરા મકરપુરા પોલીસ મથક્ના ઇન્સ્પેક્ટર એસ.વી ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુસેન ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન રાત્રે અઢી વાગ્યે પસાર થતી કાર શંકાસ્પદ જણાતા તેને રોકી હતી. કારમાં સવાર બે વ્યક્તિ પૈકી ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલા વ્યક્તિએ પોતાનું નામ શૈલેન્દ્રસિંહ મદનસિંહ હોવાનું અને પોતે PCB શાખામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આઈકાર્ડની માગ કરીને પૂછપરછ કરતા શૈલેન્દ્રસિંહે નશો કરેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દારૂની બે બોટલો મળી આવી હતી. પોલીસે કાર સાઈડમાં લેવાનું જણાવતા પોલીસ કર્મીઓનું ધ્યાન ચૂકવીને શૈલેન્દ્રસિંહ તરીકેની ઓળખ આપનારો વ્યક્તિ કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.