- રજૂઆત બાદ પણ સરકારે લોલીપોપ આપતા નર્સિંગ સ્ટાફમાં આક્રોશ
- વધુ એક વખત નર્સિંગ સ્ટાફને સરકાર સામે બાંયો ચડાવી
- આગામી 14મી જૂનથી હડતાલની ચીમકી ઉચ્ચારી
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સેવા આપનાર યુનાઈટેડ નર્સિંસ ફોરમના નર્સિંગ સ્ટાફમાં વધુ એક વખત નારાજગી જોવા મળી છે. અગાઉ પણ આંદોલનના માર્ગે ઉતર્યા બાદ અનેક વાટાઘાટો પછી પણ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતાં આગામી 14મી જૂનથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
આરોગ્ય સચિવ સાથે બેઠક બાદ પણ આજ સુધીમાં કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહીં
રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં સેવા આપનાર નર્સિંગ સ્ટાફની પડતર માગણીઓ નહીં સ્વીકારવામાં આવતા આંદોલનના માર્ગે ઉતર્યા હતા અને કોવિડ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે નમતું જોખી વાટાઘાટો બાદ પડતર માગણીઓ સંદર્ભે યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.ત્યા ર બાદ ગત 25મી તારીખે આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓની બેઠક મળી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં નર્સિંગ સ્ટાફને ન્યાય અપાવવા વિરોધ કરતા NSUI કાર્યકર્તાઓની અટકાયત
તમામ પ્રશ્નોનું સકારાત્મક રીતે નિરાકરણ લાવવા ખાતરી આપી
જેમાં તમામ પ્રશ્નોનું સકારાત્મક રીતે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. જે બાદ આજદિન સુધીમાં કોઈ પ્રત્યુતર ન મળતા રવિવારે ગુજરાતભરમાંથી 45 જેટલા નર્સિંગ એસોસિયેશનના પ્રતિનિધિઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને સર્વાનુમતે ઠરાવ કરીને જો આગામી 14મી તારીખ સુધીમાં કોઈ નિવેડો નહીં આવે અને સરકાર દ્વારા સકારાત્મક વલણ દાખવવામાં નહીં આવે તો 14મી જૂન પછી ગુજરાતની સમગ્ર નર્સિંગ હોસ્પિટલો તેમજ મેડીકલ કોલેજમાં આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્યના 45 નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓએ સર્વાનુમતે ઠરાવ કર્યો
રાજ્યભરમાં છેલ્લા દોઢ વર્ષથી યુનાઈટેડ નર્સિંગ ફોરમ, મેડિકલ ટીચર એસોસિએશન ના તબીબો તેમજ રેસિડન્ટ તબીબોએ કોરોનાના કપરા કાળમાં અવિરતપણે સેવા આપી હતી.જોકે છેલ્લા ઘણા સમયથી બઢતી, વધારાનું સ્ટાઇપેન્ડ ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિતની અનેક પડતર માંગણીઓ અંગે સરકારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પણ કોઇ નિરાકરણ નહીં આવતાં સમગ્ર તબીબી આલમ તેમજ મેડીકલ સ્ટાફ માં રોષ ભભૂકી ઉઠયો છે.
આ પણ વાંચો:જામનગરની ગુરુગોવિદસિંહ હોસ્પિટલનો 700 જેટલો નર્સિંગ સ્ટાફ હડતાળ પર
મેડીકલ કોલેજોમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવા ચીમકી આપી હતી
કોરોનાના કાળમાં જ કોવિડ કામગીરીનો બહિષ્કાર કરતાં સરકારે નમતું જોખી વાટાઘાટો કરી યોગ્ય નિરાકરણ કરવા ખાતરી આપી હતી. તેમ છતાં પણ તાજેતરમાં જ આરોગ્ય સચિવ સાથે થયેલી બેઠક બાદ પણ આજદિન સુધીમાં કોઈ યોગ્ય વલણ નહીં દાખવતા વધુ એક વખત નર્સિંગ સ્ટાફે સરકાર વિરુદ્ધ આક્રમક વલણ દાખવ્યું છે. જો માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 14મી જુનથી રાજ્યભરની નર્સિંગ હોસ્પિટલો તેમજ મેડીકલ કોલેજોમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવા ચીમકી આપી હતી.