- શિક્ષણ પ્રધાન વડોદરાની મુલાકાતે
- કોરોના અને તૌકતે અંગે આપી માહિતી
- ધોરણ 12ના વિદ્યાર્થીને નહીં મળે માસ પ્રમોશન
વડોદરાઃ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાન અંતર્ગત વડોદરાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શિક્ષણપ્રધાને ધોરણ 12ની પરીક્ષાને લઇને મહત્વનું નિવેજન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ 10માં માસ પ્રમોશન અંગે નિવેદન
અગાઉ ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમના એડમિશન મુદ્દે શિક્ષણ પ્રધાને જણાવ્યું કે, નિષ્ણાંત અને અનુભવી વર્તમાન અને નિવૃત શિક્ષણવિદોની કમિટીની રચના કરી છે. જેમના બાદ એડમિશન અંગેનો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ ધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM
મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનાની શરૂઆત
વડોદરાની મુલાકાતે આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજે રવિવારથી 'મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ' અભિયાનની શરૂઆત કરી છે. જેથી દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે.
SDRF અને NDRFની ટીમ તૈનાત
તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઇને ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, સરકાર આ આફતને લઇને કામગીરી કામ કરી રહી છે. વાવાઝોડાની અસર રાજ્યના 14 જિલ્લામાં થવાની સંભાવના છે. જેને લઇને સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇટ જાય તો હોસ્પિટલોમાં જનરેટરની વ્યવસ્થા કરી છે. આ સાથે જ SDRF અને NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે.
તમામ યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા
શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાની MS યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. જેનો રિપોર્ટ ગણતરીના કલાકોમાં આપવામાં આવશે.