- વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કામુક્કી
- ભારે ધક્કામુક્કી બાદ રડી પડ્યા લોકો, તંત્ર સામે રોષ
- કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યા
વડોદરા: ઘરનું સપનુ સાકાર કરવા માટે લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરા (Vadodara)માં જોવા મળ્યો. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી સર્જાઈ હતી. અહીં ભારે ભીડ થતા પોલીસ (Vadodara Police) બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈનો જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું
સાડા પાંચ લાખનું મકાન મેળવવા મધ્યમવર્ગીય પરિવારના લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા હતા. ભારે ધક્કામુકી બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)ની ઓફિસ આવેલી છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ આપવામાં આવી રહ્યાં છે.
EWSના આવાસની નવી સ્કીમ મુકાઈ છે
5 લાખ 50 હજારમા એક રૂમ રસોડાનુ મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સાડા પાંચ લાખ રૂપિયામાં મકાન લેવા માટે મંગળવારની રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને બેઠા છે. એક દિવસની રજા બાદ આજે પણ ફોર્મ મેળવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ત્યારે લોકોની ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોમાં ભારે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. અનેક લોકોના જીવ જઈ શકે તેવી સ્થિતિ બની હતી.