નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમ 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ 138.68 મીટરે પોતાની પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો. 17 મી સપ્ટેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 70 માં જન્મદિવસે ગુજરાત સરકારે નર્મદા ડેમને સંપૂર્ણ ભરી જન્મદિવસની અનોખી ભેટ આપી હતી.
નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરી નર્મદા વિકાસપ્રધાને વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપી - નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસપ્રધાન યોગેશ પટેલ તથા સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા ડેમ ખાતે પૂજા વિધી કરી નર્મદા નીરના વધામણાં કર્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની ભેટ આપી હતી.
ગાંધીનગર ખાતેથી નર્મદા નીરના ઈ વધામણા કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના સમય ગાળામાં જ નર્મદા ડેમમાં વધુ પાણી આવતું હોય છે. ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલેે સપનું જોયું હતું કે, નર્મદા નદી પર એક ડેમ બને અને ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની અને અન્ય વિસ્તારમાં પીવાના પાણીની તંગી ન પડે એ સપનું આજે સાકાર થયું છે. નર્મદે સર્વ દે હવે ખરા અર્થમાં સાબિત થશે. નર્મદા ડેમનું લોકાર્પણ થયા બાદ બીજી વખત ડેમ સંપૂર્ણ ભરાયો છે, જે ખરેખર ગૌરવની વાત કહેવાય.
જ્યારે નર્મદા વિકાસ પ્રધાન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને સારો પાક મેળવી શકશે. સૌરાષ્ટ્ર , કચ્છ અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતને પાણી મળી રહેશે. નર્મદા ડેમની સપાટી વધારવાની મંજૂરી આપનાર વડાપ્રધાન મોદીનો હું આભાર માનું છું. તેમના કારણે જ નર્મદા ડેમમાં આટલા મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો છે.