ન્યૂઝ ડેસ્ક: કવિ-પત્રકાર, શાયર જનાબ ખલીલ ધનતેજવીનું આજે રવિવારે નિધન થયું છે. સારવાર દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી કેટલાય લોકોને કંઠસ્થ છે. આજે તેમના નિધનના પગલે કલા સાહિત્યપ્રેમીઓ ઉંડા આઘાતમાં છે અને સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.
મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ સાબ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર, વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણિતા કવિ ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયેે વડોદરામાં નિધન થયું છે. આજે રવિવારની બપોરે તેમના નિવાસ્થાનેથી જનાજો નીકળ્યો હતો અને તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1938ના રોજ થયો હતો. જ્યાં તેઓએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ખલીલ ધનતેજવીએ તેમની એક કવિતામાં લખ્યું છે કે, 'ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે'.
2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો હતો
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો
વાંચોઃ સાહિત્યકાર ખલીલ ધનતેજવીને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરાયા
લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા
ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલની ટોચનું નામ છે. ગઝલ લેખન અને રજૂઆત બન્નેમાં તેમણે મહારથ હાંસલ કરી છે. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. ફિલ્મો લખી હતી અને નિર્દેશિત પણ કરી હતી. તેમની વિવિધ કૃતિઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. કરોડો ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક તેમની જીવનકથા છે. તેમાં ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની રોમાંચક ગાથા છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક અને ગઝલકાર ખલીલ ધનતેજવીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી ગઝલને રસપ્રદ બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ગઝલપ્રેમી ચાહકવર્ગને સાંત્વના..! ઓમ શાંતિ...!!!
આ રચનાઓને કારણે ખલીલ ધનતેજવી અમર થઈ ગયા...
કોઈ સંબંધ, કોઈ સગપણ આપણી વચ્ચે નથી,
આમ શરમાવાનું કારણ આપણી વચ્ચે નથી.
આપણે ઊંટો પલાણીને જવું છે ક્યાં હવે ?
ક્યાંય ખોબા જેવડું રણ આપણી વચ્ચે નથી.
શ્વાસ પણ લેવા ન પામે આ અબોલા આપણા,
મૌન તૂટે એવી મૂંઝવણ આપણી વચ્ચે નથી.
આ અડોઅડ એકસાથે બેસવાનો અર્થ શો ?
કોઈ વસ્તુ વેરણછેરણ આપણી વચ્ચે નથી.
મિત્રતા તો આપણી વચ્ચે હતી, છે ને હશે,
માત્ર 'હુંપદ'નું નિવારણ આપણી વચ્ચે નથી.
આપણે શા માટે કહીએ કોઈને ખોટુંખરું?
આયનાનું ધારાધોરણ આપણી વચ્ચે નથી.