વડોદરા : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડના સંદર્ભમાં તાલુકાવાર આરોગ્ય પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા અને સંવાદ કર્યો હતો. તેમને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં કોવિડના કેસો અને સર્વાંગી આરોગ્ય પરિસ્થિત પર નજર રાખવા અને ધન્વંતરિ રથોની આરોગ્ય સેવાઓ દ્વારા લોક આરોગ્યની સતત કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કરજણ પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટરે તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી કરજણ બેઠકની પેટા ચૂંટણીના જાહેરમાં કરવામાં આવતા પ્રચારપ્રસાર, સભા અને સરઘસો અનુસંધાને તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરોને બેઠક હેઠળ આવેલા કરજણ, શિનોર અને વડોદરા ગ્રામના વિસ્તારોમાં કોવિડ વિષયક તકેદારીના ચુસ્ત પાલન અને સાવચેતીના અમલની સૂચના આપી છે.
આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં કોવિડના અનુસંધાને ધન્વંતરિ રથો દ્વારા આરોગ્ય તપાસ, કોવિડ કેર સેન્ટર અને સારવાર માટે માન્ય દવાખાનાઓમાં બેડ અને દાખલ દર્દીઓની પરિસ્થિત, ટેસ્ટિંગ, દવાઓનો પુરવઠો સહિત વિવિધ બાબતોની ગહન સમીક્ષા કરીને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને ઇપેડેમિક અધિકારી ડૉ. વિજય બિડલાએ પણ જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો -કોવિડ વિષયક સમીક્ષા બેઠકમાં કલેક્ટરે વડોદરામાં કોરોના સંક્રમણ અંગેની જાણકારી આપી
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વિવિધ જિલ્લાઓમાં કોવિડ વિષયક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરામાં કોરોના સંક્રમણ અંગેની જાણકારી આપી હતી.