વડોદરાઃ ભારતના ચુંટણી પંચે આજે 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાને જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, આ બેઠકમાં ચુંટણીની પૂર્વ તૈયારીઓ સહિત વિવિધ બાબતોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપી છે. આ સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
કરજણ પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીએ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી
ભારતના ચુંટણી પંચે આજે 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની કરેલી જાહેરાતના અનુસંધાને વડોદરા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, આ બેઠકમાં ચુંટણીની પૂર્વ તૈયારીઓ સહિત વિવિધ બાબતોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને કરજણ વિધાનસભા ક્ષેત્રમાં આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપી છે. આ સાથે જરૂરી તમામ તકેદારી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
જીલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે હાલમાં કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ચુંટણી પંચ જે માર્ગદર્શિકા જાહેર કરે એના પાલન માટે સજ્જ રહેવા જણાવ્યું હતું. તેમણે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી આર.પી.જોષી, આદર્શ આચાર સંહિતા અમલીકરણના નોડલ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.બી.ચૌધરી, આ બેઠકના ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર સહપ્રાંત અધિકારી, કરજણ અને સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકની ચુંટણી કરાવવા માટે ભારતના ચુંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે બેઠકના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, કરજણ દ્વારા 9 ઓક્ટોબરના રોજ આ વિધાનસભા મતદાર ક્ષેત્રની ચુંટણી યોજવાના જાહેરનામાની વિધિવત પ્રસિદ્ધિ સાથે ઉમેદવારી પત્રો સ્વીકારવા સહિતની ચુંટણી પ્રક્રિયા શરૂ થશે. આ ચુંટણી માટે મતદાન કરવાની તારીખ 3 નવેમ્બર અને મત ગણતરી માટે 10મી નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. તેમજ જીલ્લા ચુંટણી અધિકારીએ રાજકીય પક્ષો અને સંબંધિત તમામને નિર્ધારિત આચારસંહિતાનું પાલન કરીને નિષ્પક્ષ, તટસ્થ, ન્યાયી અને શાંતિપૂર્ણ ચુંટણી આયોજનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.