વડોદરાઃ ભારતીય સૈન્યના જવાનો આપણી રક્ષા માટે પોતાના પરિવારથી દૂર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે રક્ષાબંધનના પર્વમાં પરિવારથી દૂર રહેતા ભારતીય સૈન્યનાં જવાનોની સુરક્ષા માટે ભારતદેશની વિદ્યાર્થી બહેનો અને માતાઓ રાખડીઓ સાથે લાગણીસભર સંદેશો મોકલી રહી છે.
વડોદરામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં રાખડીઓ એકત્ર કરીને સરહદ પરના જવાનોને રક્ષાબંધનની ઉજવણી કરવા પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ વર્ષે કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીમાં પણ 12,000થી વધુ રાખડીઓને કારગિલ, સીયાચીન અને ગલવાન ઘાટીમાં ખડે પગે ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવશે.
ભારતીય સૈન્યનાં જવાનો માટે દેશના દિલ્હી, મુંબઇ, પુના, કલકતા સહિતનાં 28 શહેરોમાંથી તેમજ વિદેશમાં વસતા ભારતીયો માટે રક્ષાબંધનનાં પર્વ માટે અહીંથી રાખડીઓ મોકલવામાં આવે છે. આ સાથે શુભેચ્છા સંદેશો આપતા કાર્ડ્સ અને પત્રો પણ મોકલવામાં આવ્યા છે. આ તમામ રાખડીઓનું વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરા મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મોલકનારનાં નામ અને મોબાઈલ નંબર સહિત ત્રિરંગા રંગના બોક્સમાં રાખડી પેક કરવામાં આવી હતી.
રક્ષાબંધન પર્વને લઇ દેશના જવાનો માટે રાખડી મોકલાશે આ રીતે સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રક્ષાબંધનનાં પર્વ બાદ સરહદ પરથી સૈનિકોના લાગણીસભર ફોન કોલ પણ આવે છે, તેમજ કેટલાક કિસ્સામાં સૈનિકો દ્વારા બહેનોને ભેટ સોગાદ પણ મોકલવામાં આવે છે. વડોદરાની એક શાળાના આચાર્ય આ મિશન ચલાવી રહ્યા છે.