- વડોદરાની એમ. એસ. યુનિવર્સીટીમાં 14 ડિસેમ્બરથી કોમર્સની ઓનલાઈન પરીક્ષા શરૂ
- પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ કનેક્શનમાં ધાંધીયા
- અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા રોષ
- વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની 14 ડિસેમ્બરથી ઓનલાઇન પરીક્ષાની શરૂઆત થઇ છે. જોકે, આ ઓનલાઇન પરીક્ષાના બીજા દિવસે ઇન્ટરનેટ કનેક્ટિવિટિમાં ખામી સર્જાતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. જે કારણે યુનિવર્સિટીના વિવિધ સંગઠનો દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
MS યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન વાણિજ્ય પ્રવાહની ઓનલાઈન પરિક્ષા રદ્દ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન
વિદ્યાર્થી સંગઠનો દ્વારા જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. આમ છતાં યુનિવર્સિટી દ્વારા પોતાનો નિર્ણય નહીં બદલે તો યુનિવર્સિટીને તાળા બંધી કરી દેવા સુધીના ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, યુનિવર્સિટી રજિસ્ટ્રારે ગ્લોબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટિના કારણે સમસ્યા સર્જાઇ હોવાનું જણાવ્યું હતું.
ઓનલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે 93 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની શરૂ થયેલી ઓનલાઇન ફાઇનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ લોગઇન ન થઇ શકતા પરીક્ષાર્થીઓ મુંઝવણમાં મૂકાઇ ગયા છે. પરીક્ષાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે ABVP, યશ ગૃપ, AGS સહિતના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે હેડ ઓફિસ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પગલે રજિસ્ટાર કે. એમ. ચુડાસમા સંગઠનોના અગ્રણીઓને મળવા દોડી ગયા હતા. સંગઠનોએ તેમનો ઘેરાવ કરી ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી હતી. રજિસ્ટાર કે. એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે 93 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. બુધવારે ઇન્ટરનેટ કનેક્ટિવિટિને કારણે પરીક્ષાર્થીઓ લોગઇન થઇ શક્યા ન હોવાથી તેમને વધુ સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. તેમના માટે પુનઃ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીને કરાશે તાળાબંધી
યુનિવર્સિટીના સર્વરમાં કોઇ ખામી નથી, પરંતુ ગ્લોબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટિમાં પ્રોબ્લેમ હોવાથી સમસ્યા સર્જાઇ છે. ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવાની વિદ્યાર્થી સંગઠનોની માંગણી અંગે કોઇ જવાબ આપ્યો ન હતો. જ્યારે વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી ઓનલાઇન પરીક્ષાથી પરીક્ષાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે, પરંતુ યુનિવર્સિટી પોતાની ભૂલ સ્વિકારવા તૈયાર નથી. યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી અમારી માગ છે. જો ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમ છતાં યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા ઓનલાઇન પરીક્ષા રદ્દ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીને તાળાબંધી કરવા સુધીનું આંદોલન કરવામાં આવશે.