- વડોદરામાં સોની પરિવારનાં 6 સભ્યોએ કરી હતી સામૂહિક આત્મહત્યા
- પરિવારનાં 6 સભ્યો પૈકી 5 સભ્યોના મોત નિપજી ચૂક્યાં છે
- પોલીસે દુષ્પ્રેરણા આપનારા 8 લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
વડોદરા: સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા પાંચ સભ્યોના મોત નિપજ્યા છે. ત્યારે એક સભ્ય હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આત્મહત્યા કરતા અગાઉ નોંધાવવામાં આવેલા નિવેદન મુજબ 8થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હાલમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનમાં જ્યોતિષ સહિતના આરોપીઓને પકડવા માટે દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે. જેમાં પોલીસને થોડા દિવસોમાં જ મોટી સફળતા મળશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં
મૃતકના નિવેદનના આધારે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
મૃતક ભાવિન સોનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એક જ્યોતિષે તેમની સાથે રૂપિયા 32 લાખની છેતરપિંડી કરી હોવાથી તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. જેના કારણે તેમને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. નિવેદનના આધારે સમા પોલીસ સ્ટેશનમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનમાં રહેતા જ્યોતિષ સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમા પોલીસ દ્વારા વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનમાં અલગ અલગ ટીમો મોકલીને જ્યોતિષને પકડવા માટે દરોડા પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે, રાજસ્થાનના જોધપુર ખાતે પોલીસને સફળતા મળી હોવાનું સૂત્રો પાસેથી જાણના મળ્યું છે.
આ પણ વાંચો:મૃતક નરેન્દ્ર સોનીના પુત્ર ભાવિનનું સારવાર દરમિયાન મૃત્યુ, મૃત્યુઆંક 5, 1ની હાલત નાજુક
સોની પરિવારે 3 માર્ચના રોજ આત્મહત્યા કરી હતી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાર્ટી સોસાયટીમાં રહેતા સોની પરિવારનાં 6 સભ્યોએ 3 માર્ચના રોજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અત્યાર સુધી પરિવારના પાંચ સભ્યોનાં મોત નિપજી ચૂક્યાં છે. જેમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, રિયા સોની, પાર્થ સોની અને ભાવિન સોનીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે ઊર્મિ સોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સારવાર મેળવી રહેલા ઊર્મિબેનની હાલત ગંભીર હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.