વડોદરાઃ વડોદરામાં સિદ્ધ કરેલા દિવ્ય રક્ષા યંત્રના નામે જમીન તથા કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવાની પાક્કી ખાતરી આપી ઈનોવા કાર લઇ મહુવાથી ખાસ છેતરપિંડી કરવા વડોદરા આવેલા બે ગઠીયાઓને જેતલપુર રોડ ગેસ્ટ હાઉસ પાસેથી વડોદરા-શહેર પોલીસની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓ પાસેથી ઇનોવા કાર સહિત 10.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દિવ્ય રક્ષા યંત્રના નામે લોકોને છેતરતા ધુતારાની પોલીસે કરી ધરપકડ વડોદરા શહેર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે મહુવા તાલુકાના વિનોદ જાની અને રવિ જોશી નામના બે ગઠિયા જમીન તથા કૌટુંબિક તકરારના કેસો ચાલતા હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવે છે, ત્યારબાદ તેમને નડતા ગ્રહો ચાંડાલ યોગ વાસ્તુદોષના નિવારણ માટે ચમત્કારિક જાદુઈ દિવ્ય રક્ષા યંત્ર પાસે રાખવાથી કોર્ટમાં અરજી તથા ધાર્યા કામમાં સફળતા મળે છે, એવી પાકી ખાતરી આપીને લાખો રૂપિયા પડાવે છે, હાલ બંને જેતલપુર રોડના અગ્રેસન ગેસ્ટ હાઉસ પાસે ઈનોવા કારમાં બેઠા છે.આ ચોક્કસ માહિતીને આધારે પોલીસે પંચને તૈયાર કરીને આરોપી પાસે મોકલ્યો હતો. પંચએ કૌટુંબિક તકરાર અને જમીન કેસ અંગે વાતચીત કરતાં આરોપી રવિ અને વિનોદે જીત અપાવવાની ખાતરી આપી એક રક્ષા યંત્રની કિંમત રૂપિયા 10 લાખ છે. તમારે હાલમાં રૂપિયા પાંચ લાખ આપવાના રહેશે અને કામ થયા બાદ બાકીના રૂપિયા 5,00,000 લાખ ચૂકવવાના રહેશે. રૂપિયા 5 લાખમાં સિદ્ધ કરેલા રક્ષા યંત્રનો સોદો નક્કી થતાં જ પોલીસ ત્રાટકી હતી અને ભેજાબાજ વિનોદ બાબુભાઈ જાની અને રવિ બાબુભાઈ જોષીને ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.