વડોદરાઃ શહેરના વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીના મહિલા પ્રોફેસર સાથે ફરજ બજાવતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક અડપલા, બળાત્કાર તેમજ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવા અંગેની લેખિતમાં ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા પારુલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા સમગ્ર મામલો રફેદફે કરી દેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પ્રિન્સિપાલ અને મહિલા પ્રોફેસરને બંનેને છૂટા કરી દેવામાં આવ્યા છે.
પારુલ યુનિવર્સીટીમાં પ્રિન્સિપાલ દ્વારા મહિલા પ્રોફેસર પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, બન્ને ફરજ પરથી બરતરફ કરાયા - મહિલા પ્રોફેસર પર દુષ્કર્મ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. મહિલા પ્રોફેસર સાથે કોલેજના જ પ્રિન્સિપાલ દ્વારા શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે વાઘોડિયા પોલીસ મથકે આપેલી અરજીને લઈ ભારે ખળભળાટ મચી ગયો છે.
પારુલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ડોક્ટર નવ જ્યોત ત્રિવેદીને પણ ફરજ પરથી છુટા કરી દીધા બાદ મહિલા પ્રોફેસર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2020ના રોજ લેખિતમાં વાઘોડિયા પોલીસમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ તારીખ 19 સપ્ટેમ્બરના રોજ બીજી ફરિયાદ આપી હતી કે નવજોત ત્રિવેદી તેમની પત્ની અમિ ત્રિવેદી તેમના ભાઈ યાજ્ઞિક ત્રિવેદી તથા અન્ય સભ્યો દ્વારા અરજી પાછી ખેંચી લેવા પણ ધાક-ધમકી આપી રહ્યા હતા અને તારીખ 18 મીના રોજ રાત્રે ફોન કરી ગંદી ગાળો બોલી બિભત્સ વર્તન પણ કર્યું હોવાનું જણાવ્યું છે.
આ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 4 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરના રોજ લેખિતમાં ફરિયાદ આપવામાં આવતા પારુલ યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર બાબતોને રફેદફે કરી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા પ્રોફેસર પર ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.