- પડતર પ્રશ્નોની માંગણી સંદર્ભે છેડાયેલા આંદોલનને તોડવાનો પ્રયાસ
- નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની રાતોરાત બદલી કરી દેવાતા નર્સિંગ સ્ટાફમાં રોષ
- વડોદરાની સયાજી અને જમનાબાઈ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફે દેખાવો કર્યા
વડોદરા: નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેવામાં નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની સરકારે રાતોરાત બદલી કરી આંદોલનને કચડવાનો પ્રયાસ કરતા નર્સિંગ સ્ટાફમાં ઉગ્ર રોષ ફેલાયો છે. મંગળવારે SSG અને જમનાબાઈ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરીને ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો:રાજકોટમાં નર્સોએ થાળી અને ધંટડી વગાડી વિરોધ દર્શાવ્યો, તંત્રને નીંદરમાંથી જગાડવા પ્રયાસ
અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ફરજ પરથી અલિપ્ત રહેતા દર્દીઓને હાલાકી
રાજ્યભરના નર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી નહીં સંતોષાતા સરકાર સામે બાંયો ચઢાવી છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વિરોધ પ્રદર્શનથી આગ બબુલા થયેલા આરોગ્ય તંત્રના વહીવટી અધિકારીઓએ આંદોલનને વેરવિખેર કરવા માટે નર્સિંગ એસોસિએશનના પ્રમુખ તથા અન્ય એક આગેવાનની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવતા નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. તેમજ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા મંગળવારથી નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પોતાની ફરજ પરથી અલિપ્ત રહ્યા હતા. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.