- સંજયનગર ઝૂપડપટ્ટીમાં સવારે 11 વાગ્યાની આસપાસ બની ઘટના
- જૂના ઝઘડાની અદાવતમાં બે જૂથો વચ્ચે બની હતી મારામારીની ઘટના
- ઇજાગ્રસ્ત વૃદ્ધ અને યુવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં આવેલી દિનેશ મીલ પાસેની ઝૂપડપટ્ટીમાં બે જૂથો વચ્ચે તિક્ષ્ણ હથિયારો વડે મારામારીની ઘટના બની છે. તલવારો, લોખંડ તેમજ PVCની પાઈપો વડે કરાયેલા હુમલામાં એક વૃદ્ધ અને યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો
સંજયનગર સ્થિત રહેતા નસરૂદ્દિન નુર મહોમંદ સૈયદ અને શાહરૂખ નસરૂદ્દિન સૈયદ પોતાના મકાન પાસે હતા. ત્યારે રફિક અને અબ્દુલ નામના યુવકે તલવાર, લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો હતો. ગણતરીની મિનીટોમાં બે જૂથો વચ્ચે તિક્ષ્ણ હથિયારો વડે મારામારી શરૂ થઈ ગઈ હતી. તે સમયે એક સ્થાનિકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં મહિલાઓ પણ પાઈપ વડે વૃદ્ધ અને યુવાન પર હુમલો કરતા નજરે પડી હતી.