ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા - corona news

કોરોનાની બીજી લહેરમાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારો પણ સંક્રમણના ભરડામાં આવી ગયા છે. ત્યારે વડોદરાના પાદરા તાલુકાનું એક એવું ગામ છે, જેમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગામના સરપંચ અને તેમની ટીમની સતર્કતાના કારણે 2200ની વસતી ધરાવતું આ ગામ કોરોનામુક્ત રહી શક્યું છે.

વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા
વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા

By

Published : May 3, 2021, 7:03 PM IST

  • 2200 લોકોની વસતી ધરાવતા પાદરાનું દૂધવાડા ગામ
  • કોરોના મહામારીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી
  • ગામના સરપંચ દ્વારા કરાઈ રહી છે ચુસ્ત કામગીરી

વડોદરા: પાદરા તાલુકાના અંદાજે 2200 લોકોની વસતી ધરાવતા દૂધવાડા ગામના સરપંચ ઉત્તમ પટેલ અને તેમની ટીમની જાગૃતતાના કારણે ગામમાં કોરોના પ્રવેશ્યો નથી. કોરોના મહામારી સામે લડવાના મક્કમ નિર્ધાર સાથે ગામ માટે બનાવવામાં આવેલા નિયમોના કારણે આજની તારીખ સુધીમાં ગામમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

કઈ રીતે ગામ રહી શક્યું કોરોનામુક્ત ?

ગામના સરપંચ ઉત્તમ પટેલના જણાવ્યા પ્રમાણે, ગામમાં છેલ્લા એક વર્ષથી ગામમાં બહારથી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા આવતા ફેરિયાઓ પ્રવેશ ન કરે તે માટે નાકાબંધી, ઉપરાંત ગામનો કોઈ વ્યક્તિ બહાર જઈને આવે તો તેના માટે પાળવાના નિર્ધારિત નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું લોકો પણ સ્વૈચ્છિક રીતે પાલન કરે છે. ગામમાં કોઈ માસ્ક વગર ફરતું હોય તો તેમને યુવાનોની ટીમ સમજ આપીને માસ્ક પહેરવા વિનંતી કરે છે અને જો માસ્ક ન હોય તો માસ્ક પણ આપે છે. ગામની દૂધ મંડળીમાં બે વખત દૂધ ભરવા આવતા સભાસદો પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવે છે. તકેદારીના ભાગરૂપે ગામમાં બપોર બાદ તમામ વેપારીઓ પોતાના ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખે છે. તેઓ વધુમાં કહે છે કે, આ મહામારીમાંથી ગ્રામજનોને બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં ઘરે ઘરે જઈને લોકોને આ રોગથી કેવી રીતે બચવું તે અંગેનું શિક્ષણ આપે છે.

વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

45 વર્ષથી વધુની વયના 85 ટકા લોકોએ રસી લીધી

કોરોના સામે લડવા ગ્રામ પંચાયતના સદસ્યોની સમિતિ સાથે ગામના યુવાનોની એક કોરોના યોદ્ધા ટીમ બનાવી અને તેમાંય ગામમાં આવેલા સેમી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મયોગીઓનો સહયોગ મળ્યો જેના પરિણામે અમારા ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. ગામમાં 45થી વધુની વય ધરાવતા 85 ટકા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. ગામમાં 18થી વધુ વયના યુવાનોના રસીકરણની પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં જ્યારે પણ રસીકરણની શરૂઆત થશે, ત્યારે તમામ યુવાઓ રસી મૂકાવશે.

ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે 10 લગ્નો યોજાયા

કોરોના મહામારીમાં લગ્ન કે પછી અન્ય કોઈપણ પ્રસંગની ઉજવણીમાં કોરોના સંક્રમણનો ખતરો વધી જતો હોય છે. જોકે, દૂધવાડા ગામમાં આ વર્ષે 10 જેટલા લગ્નો હતા. આ લગ્નોમાં ગ્રામ પંચાયતની ટીમે ખડે પગે હાજર રહીને નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવ્યો હતો. જેના કારણે લગ્નો યોજાયા હોવા છતાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. ગત વર્ષે ગામને એક ખાનગી કંપનીના સહયોગથી 4 વખત અને હાલમાં 1 વખત સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ પણ નિયમિત કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details