ગુજરાત

gujarat

ETV Bharat / city

એક દાયકામાં 34500 દીકરીઓની કરોડોની School Fee ભરનારાં નિશિતા રાજપૂતનું આ વર્ષે 1 કરોડનું લક્ષ્ય

વડોદરાના નિશિતા રાજપૂતની (Nishita Rajput) એક દાયકાની શિક્ષણસેવાની સુગંધ આજે ચોમેર ફેલાયેલી છે.એક દાયકાની સફરમાં નિશિતા 34,500 દીકરીઓની School Fee ભરતાં ભરતાં 3.40 કરોડ રુપિયાનું દાન કરાવી ચૂકી છે.આ વર્ષે કોરોનાના કારણે આર્થિક માર સહન કરી રહેલા પરિવારોની સંખ્યા વધી છે ત્યારે નિશિતાએ પણ શાળા ફી માટે તેનું લક્ષ્ય વધારીને 1 કરોડ રુપિયા ઉઘરાવવાનું રાખ્યું છે.

એક દાયકામાં 34500 દીકરીઓની કરોડોની School Fee ભરનારાં નિશિતા રાજપૂતનું આ વર્ષે 1 કરોડનું લક્ષ્ય
એક દાયકામાં 34500 દીકરીઓની કરોડોની School Fee ભરનારાં નિશિતા રાજપૂતનું આ વર્ષે 1 કરોડનું લક્ષ્ય

By

Published : Oct 22, 2021, 6:56 PM IST

Updated : Oct 23, 2021, 11:55 AM IST

  • વડોદરાના નિશિતા રાજપૂત દીકરીઓના શિક્ષણ માટે સતત કાર્યરત
  • એક દાયકાથી સેવારત નિશિતાએ 34,500થી વધુ દીકરીઓની ફીની વ્યવસ્થા કરાવી છે
  • આ વર્ષે 1 કરોડ રુપિયા દીકરીઓની શાળા ફી ભરવા માટે ઉઘરાવવાનું લક્ષ્ય રાખ્યું છે

વડોદરાઃકોરોનાકાળમાં ભયાનક આર્થિક ભીંસમાં મૂકાયેલા મધ્યમ અને ગરીબ વર્ગની પરિવારની દીકરીઓની School Fee ભરવા માટે વડોદરા સ્થિત સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતે 1 કરોડનુંલક્ષ્યાંક રાખ્યું છે. છેલ્લા એક દાયકામાં 34,500 દીકરીઓની રૂપિયા 3.80 કરોડની સ્કૂલ ફી ભરવામાં મદદરૂપ બનેલાં સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતે (Nishita Rajput) 'બેટી બચાવ બેટી પઢાવો'ના સૂત્ર સાથે દસ વર્ષ અગાઉ 151 દિકરીઓની ફી ભરીને ઉમદા અભિયાનનો આરંભ કર્યો હતો. નિશિતા રાજપૂત ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિદ્યાર્થીનેતા ગુલાબસિંહ રાજપૂતના દીકરી છે.

નાની વયથી શરુ કરેલું કાર્ય લગ્ન દરમિયાન અને બાદ પણ જાળવ્યું

આ સેવાકીય કાર્ય માંટે નિશિતાના માતાપિતાએ પણ સાથસહકાર આપ્યો છે. નિશિતા (Nishita Rajput) તેમની એકની એક દીકરી છે. આજે પણ નિશિતા પોતાના લગ્ન બાદ પણ આ સેવાકીય કાર્ય કરી રહ્યાં છે. નિશિતાએ અન્ય યુવાનો માટે દાખલો બેસાડતાં પોતાના લગ્ન પણ કોરોના ગાઈડલાઇનનું પાલન કરતાં ફક્ત સો નિમંત્રિતો સાથે સાવ સાદગીથી કર્યાં હતાં અને જે ખર્ચ બચ્યો તે નાણાંમાંથી 21 વિદ્યાર્થીઓના બચતખાતામાં પાંચ હજાર રૂપિયાની ફિક્સ ડીપોઝિટ કરાવી અને 251 વિદ્યાર્થિનીની School Fee જમા કરાવી આપી હતી.

કોરોનાના કારણે પ્રભાવિત થતાં પરિવારો માટે રાહતરુપ કાર્ય કરતાં નિશિતા

ગત વર્ષે કોરોનાનો આરંભ થયો હતો તેવા સંજોગોમાં પણ રૂપિયા 55 લાખ જેટલી રકમની School Fee ભરવામાં દીકરીઓને મદદરૂપ બનેલાં નિશિતા રાજપૂતે (Nishita Rajput) જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં મધ્યમ અને ગરીબ વર્ગના અનેક પરિવારોની હાલત અત્યંત કફોડી ગઈ છે. તેઓને બીજીરીતે પણ મદદ કરી છે. રાશન કિટની પણ મદદ કરી છે. કોરોનાની અસરમાં બંધ થયેલા ધંધાવ્યવસાયોને પગેલ અસંખ્ય પરિવારો આધારસ્તંભ નોકરી કે રોજગારી ગુમાવી ચૂક્યાં છે. ગરીબોને મદદ કરવા અનેક સંસ્થાઓ આગળ આવતી હોય છે પરંતુ મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી થઈ જતી હોય છે, તેઓ કોઇની પાસે હાથ લંબાવી શકતાં નથી તેવા સંજોગોમાં તેમના સંતાનોને અભ્યાસ કરાવવો પણ તેમના માટે મુશ્કેલ બનતો હોય છે. આવા પરિવારોની દીકરીઓની સ્કૂલ ફી માટે મદદરૂપ બનવાનું અભિયાન હાથ પર લીધું છે. સ્કૂલ ફી ઉપરાંત નિશિતા સ્કૂલબેગ, વોટરબેગ, પુસ્તક કપડાં વગેરેની પણ મદદ કરે છે

નિશિતાની ફંડિંગ મેળવવાની પદ્ધતિ કેવી છે?

અત્યાર સુધીમાં નિશિતાના (Nishita Rajput) હાથમાં અનેક લોકોએ કરોડો રુપિયાનું ભંડોળ મૂક્યું છે ત્યારે સ્વાભાવિક જ નાણાંકીય બાબત હોઇ પારદર્શિતા દાખવવાને નિશિતા મહત્ત્વપૂર્ણ માને છે. આ સંદર્ભે વાત કરતાં નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે, મારી કાર્યપદ્ધતિ અત્યંત પારદર્શક છે. દાતાઓ પાસેથી રૂપિયા એક હજારને એકાઉન્ટ પેઇ ચેક મેળવીને જે તે વિદ્યાર્થિનીની School Fee માટે તેની શાળામાં જમા કરાવવામાં આવે છે. તો નાણાં પૂરાં પાડનાર દાતાઓને જે તે વિદ્યાર્થિનીનો ફોટો, રીઝલ્ટની કોપી, તેના પરિવારની વિગતો, ચેક અને ફી રીસીપ્ટની વિગતો ફાઈલ બનાવીને પહોચાડવામાં આવે છે. જેથી દાતાઓને અહેસાસ થતો હોય છે કે તે કોઇ દીકરીને ભણાવી રહ્યાં છે. વિદ્યાર્થિનીના અભ્યાસથી લઇને પરિણામની વિગતો પણ દાતાઓને મળતી રહેતી હોય છે.

ઓનલાઈન શિક્ષણના કારણે મોબાઈલ ફોન પણ પૂરાં પાડ્યાં

કોરોનાને લઇને શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થઇને ઘરમાં બેઠાં મોબાઈલ ફોન પર ભણવા-ભણાવવાનું શરુ થયું ત્યારે ઘણાં પરિવારો માટે મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઇ. કેમ કે રોજિંદો ખર્ચ માંડ નીકળતો હોય ત્યાં મોંઘા મોબાઈલ અને નેટના ખર્ચા કેવી રીતે કાઢે? ત્યારે નિશિતાએ (Nishita Rajput) ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક કિટ તેમ જ ઓનલાઇન શિક્ષણ માટે નવા મોબાઇલ ફોન પણ અપાવ્યાં હતાં.તો જરુર જણાઇ ત્યાં શૈક્ષણિક કિટ આપવામાં આવી. કેટલીક વિદ્યાર્થિનીઓના નામે રૂપિયા પાંચ હજારની ફિક્સ ડિપોઝીટ પણ મૂકી આપવામાં આવી હતી.

સેવાનો વ્યાપ વધ્યો

કોરોનાકાળમાં અનેક પરિવારોએ પરિવારની મદદ માટે પોતે કામ કરવાનું શરુ કર્યું હતું જેમાં તેમને માટે જરુરી સાધનો પૂરાં પાડવા માટે પણ નિશિતાએ પોતાની સેવાનો દાયરો વધાર્યો હતો. વુમન એમ્પાવરમેન્ટને સ્વયં જ ચરિચાર્થ કરી રહેલાં નિશિતાએ (Nishita Rajput) અન્ય મહિલાઓને એમ્પાવર્ડ બનાવતાં રોજગારીની તક પણ પુરી પાડવાનું કામ હાથમાં લીધું. નિશિતાએ મહિલાઓને નવા સિલાઇ મશીન પણ આપ્યાં છેે. નિશિતા રાજપૂત તથા તેમના પિતા તથા પૂર્વ વિદ્યાર્થીનેતા ગુલાબ રાજપૂત દ્વારા છેલ્લા ચાર વર્ષથી એકાકી સિનિયર સિટિઝન્સ માટે નિઃશુલ્ક ટિફીન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આવા પરિવારોને ઘેર બેઠાં રોજ ભોજન આપવામાં આવતું હોય છે. પ્રજ્ઞાચક્ષુઓ તથા દિવ્યાંગોને પણ વાર તહેવારે નિશિતા દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ મદદ કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે હોળી પર્વની વિશિષ્ટ ઉજવણી કરતાં નિશિતા રાજપૂત

આ પણ વાંચોઃ કોરોના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ અમને પ્રેરણા પૂરી પાડે છે : ડૉ. નિશિતા

Last Updated : Oct 23, 2021, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details