- મોહનભાઇ આ વયે પણ બુલેટ કલાકના 60થી 80 કિમીની ઝડપે આસાનીથી ચલાવે
- 1990માં 16 વર્ષ જૂનું બુલેટ ખરીદ્યું હતું
- થાઈલેન્ડથી લઇને 12 જ્યોર્તિલિંગ, શિલોંગ સુધી ફર્યા હતા, જૂનમાં લદાખ જશે
વડોદરા:77 વર્ષના બુલેટ બાઇકર મોહન ચૌહાણે છેલ્લા 6 વર્ષમાં ભારતના તમામ રાજ્યોને 20 હજાર કિમી જેટલું બુલેટ હંકાવી ચૂક્યા છે. નિવૃત્તિના દોઢ દાયકાથી વધુ સમય બાદ પણ એક યંગસ્ટર્સ જેવો જોશ કેવી રીતે ટકાવી રાખવો તેનું ઉદાહરણ મોહનભાઇ છે. જ્યારે, ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ ભારતના કર્નલમાં પહોંચ્યા ત્યારે, કોરોનાએ તે વિસ્તારમાં ભયંકર ભરડો લઇ લીધો હતો. મોહનભાઇ આ વયે પણ બુલેટ કલાકના 60થી 80 કિમીની ઝડપે આસાનીથી ચલાવે છે. કોરોના ઓછો થતાં ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ-રાજકોટ અને ભાવનગર થઇને રો રો ફેરીમાં હજીરા, સુરત જઈ પરત ફર્યા હતા. તેઓ કહે છે કે, હવે નવું બુલેટ ખરીદ્યું છે. લેહ-લદ્દાખમાં 10 વર્ષથી જૂના વાહનોને ચલાવવાની મંજૂરી નથી.
આ પણ વાંચો:નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
હૃદયના હળવા પણ પ્રવાસના શોખ ભારે: લીલાબેન
લીલાબેન મૂળ આફ્રિકાના ગુજરાતી કુટુંબમાં જન્મ લીધો હતો. અંગ્રેજી માધ્યમમાં જ શિક્ષણ લીધું હતું. તેઓ કહે છે કે, એક પ્રવાસ દરમિયાન મંદિરમાં લપસવાથી મારો પગ ભાંગી ગયો પણ તેમનો પ્રવાસપ્રેમ જોતા જરૂરી આરામ લઇને પણ તેમની સાથે પ્રવાસ ચાલુ રાખ્યો હતો. લીલાબેન હળવાશથી કહે છે કે, તેઓ હદયના હળવા છે.
મોહનભાઇ કમને વડોદરા પરત ફર્યા
1990માં 16 વર્ષ જૂનું બુલેટ ખરીદ્યું હતું, જેને આજે 46 વર્ષ થયા છે અને તેના પર જ તેઓ આજે પણ સફર કરે છે. 2011માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો આથી, હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે, ડૉક્ટરે બાઇક નહીં ચલાવવાની સલાહ આપી હતી. આ સમયે ઓળખીતા યુવાનોએ કહ્યું, બુલેટ અમને આપી દો, સ્કૂટી-કાઇનેટિક ફેરવો. મોહનભાઇ કહે છે કે, આ જ બાબત મારા મનમાં ચોંટી ગઇ જેણે મારા પ્રવાસો માટે મને તૈયાર કર્યો. હવે તમામ પ્રવાસમાં પત્ની લીલાબેન સાથે જાય છે. 2018માં થાઇલેન્ડના બુલેટ પ્રવાસે લીલાબેન સાથે નીકળ્યાં. ગુજરાત, એમપી, યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ પહોંચ્યા હતા. પણ ત્યારે ચોમાસું શરૂ થઇ જતાં ભૂસ્ખલનના પડકાર અને સ્થાનિકોની સલાહને લીધે પ્રવાસ ટૂંકાવીને કમને વડોદરા પરત ફર્યા હતા. પ્રવાસ પ્રેમને લીધે તેમણે 12 જ્યોર્તિલિંગ સહિત ભારતભરના લગભગ તમામ જાણીતા શહેરો અને તેના જોવાલાયક સ્થળો જોઇ ચૂક્યા છે.
આ પણ વાંચો:જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી