વડોદરાપક્ષી તીર્થ વઢવાણામાં (Wadhwana bird sanctuary) સાવ હળવા પગલે દેશી-વિદેશી યાયાવર પક્ષીઓની (migratory birds) પાપા પગલી થવા માંડી છે. જાણે કે, વિશાળ શિયાળુ પક્ષી મેળાની પાંખાળી સૃષ્ટિના આ કાર્યવાહકોએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. પક્ષી, પ્રકૃતિ અને વન્યજીવોના ચાહક તસવીરકાર ડો. રાહુલ ભાગવત અને સીમા આભાળેએ રવિવારે વઢવાણા ખાતે જઈને આ પૂર્વ તૈયારીઓ નરી આંખે નિહાળીને સાપ જેવી લચકદાર ડોકવાળા એક સાથે ઉડતા 2 સર્પગ્રિવ સહિત વિવિધ પક્ષીઓની રમણીય છબીઓ લીધી હતી.
20 પ્રજાતિઓનું આગમન તસવીરકારોનું અનુમાન છે કે, દૂર દેશાવરોમાંથી અત્યાર સુધી 20 જેટલી પ્રજાતિઓના (યાયાવર અને સ્થાનિક) પક્ષીઓનું ઓછી સંખ્યામાં પ્રાથમિક આગમન થઈ ગયું છે.
વડોદરા માટે પ્રકૃતિ પ્રવાસન સ્થળ 2 માસથી વધુનું રોકાણમાણસની મોટી મજબૂરી એ છે. એને કોઈ દેશની સરહદ ઓળંગવા માટે પાસપોર્ટ, વિઝા સહિત અનેક દસ્તાવેજી પૂરાવાઓની જરૂર પડે છે, પરંતુ પક્ષીઓ અને વન્યજીવોને જાણે કે, કુદરતે આ પ્રકારના અદ્રશ્ય દસ્તાવેજો આજન્મ આપ્યાં છે. એટલે આ પક્ષીઓ અનેક દેશોની સરહદ બિન્દાસ્ત ઓળંગીને છેક વડોદરા જિલ્લાના વઢવાણાના (Wadhwana bird sanctuary) કાંઠે શિયાળામાં ધામો નાંખે છે. તેઓ હીમ જેવા ઠંડા પ્રદેશોમાંથી હૂંફાળો શિયાળો ગાળવા અને વંશ વૃદ્ધિ માટે સયાજી મહારાજે નિર્માણ કરેલા આ સદી જૂના જળાશયના છીછરા, કાદવિયા કાંઠે (વેટલેન્ડ) 2થી 3 મહિના રોકાણ કરે છે.
દેશી વિદેશી પક્ષીઓનું આગમનઅહીં શિયાળામાં ભરાતા દેશીવિદેશી પંખીઓના સમૃદ્ધ મેળા અને પક્ષીઓ માટે ઉમદા પર્યાવરણ ધ્યાનમાં રાખીને આ સ્થળનો હવે મોભાદાર રામસર યાદીમાં (wadhwana ramsar site) સમાવેશ કરવામાં આવ્યો છે. ડો. રાહુલે જણાવ્યું હતું કે, રવિવારી મુલાકાતમાં થોડા પ્રમાણમાં અમને યુરોપિયન રોલર, સર્પગ્રીવ, કોમન કુક્કુ, પાન પટ્ટાઈ, શકરો, ટિલિયાળી બતક, નકટો, નાની સિસોટી બતક, ભૂરી પૂંછ પતરંગા, સાઈબરિયન સ્ટોન ચેટ, રૂફસ ટેલ લાર્ક જેવા દેશી વિદેશી પક્ષીઓ કેમેરાની આંખે જોવા મળ્યા હતા.
ડો. રાહુલની સફરપ્રખર પક્ષી અને વન્યજીવ ચાહક ડો. રાહુલે અત્યાર સુધી 4 રાજ્યોમાં પોતાના ખર્ચે 16,000 કિમીથી લાંબો પ્રવાસ કર્યો છે. તે દરમિયાન 110 જેટલા ગામો અને 100થી વધુ શાળાઓની મુલાકાત લઈને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને આપણી સ્વદેશી અને યાયાવર પક્ષી અને વન્યજીવ સમૃદ્ધિની વ્યાપક માહિતી ચિત્રો અને પ્રવચનો દ્વારા આપી છે. ગામના લોકોએ તેમના આ અભિયાનને દિલથી આવકાર્યું એનો તેમનો આનંદ છે. આખરે આ મૂંગા દેવદૂતોની સુરક્ષાનો સચોટ ઉપાય ભાવિ પેઢીને જાગૃત કરવાનો જ છે એમ તેમનું કહેવું છે.
વડોદરા માટે પ્રકૃતિ પ્રવાસન સ્થળવઢવાણા (Wadhwana bird sanctuary) વડોદરા માટે પ્રકૃતિ પ્રવાસન તીર્થ છે. એની કાદવિયા ભૂમિ અને આસપાસ નું વાતાવરણ સ્થાનિક અને દૂર દેશાવરના પક્ષીઓને પિયર ઘર જેવી હૂંફ આપે છે. વડોદરા વન વિભાગનો વન્યજીવ વિભાગ આ સ્થળની શક્ય એટલી પર્યાવરણીય કાળજી લે છે. તેની સાથે નાગરિકો પોતાની જવાબદારી સમજીને સ્થળના પર્યાવરણની જાળવણી અને આ પાંખાળા મહેમાનોની સુરક્ષામાં પીઠબળ આપે એ ઇચ્છનીય છે.