વડોદરાઃ કોરોના વાઈરસને લઈ ચાલી રહેલા લોકડાઉનમાં અટવાઇ ગયેલા પરપ્રાંતીયોને વતન મોકલવા માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા પરપ્રાંતીયોને વિનામૂલ્યે વતન મોકલવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પરપ્રાંતિયો પાસેથી ટિકિટના ભાડું, ભોજન અને પાણી માટે પૈસા લેવામાં આવી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ વડોદરાના સમા પોલીસ મથકના પી.આઇ.એ કર્યો છે.
માતાએ પાયલ ગીરવે મુકી પૈસા મોકલ્યાં, શ્રમિકો વતન જવા રવાના
વિભિન્ન રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોત પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે વડોદરામાં ફસાયેલા ઉત્તરપ્રદેશના શ્રમિકોને પોતાના વતન તરફ રવાના કરવામાં આવ્યાં હતાં.
યુ.પી.ના વતની સુરેશે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમે ફસાઇ ગયા હતા. અમે રોજ મજૂરી કામ કરીને રોજનું ગુજરાન ચલાવતા હતા. વતન જવા માટે મારી પાસે પૈસા પણ ન હતા. આથી વતનમાં માતાને ફોન કરીને પૈસા મંગાવ્યા હતા. માતા પાસે પણ પૈસા ન હોવાથી તેમણે પોતાના પાયલ(ઘરેણાં) ગીરવે મુકીને રૂપિયા 2 હજાર મોકલ્યા હતા.જે બે હજાર રૂપિયામાંથી 1200 રૂપિયા ટિકિટના ભાડા માટે મેં આપ્યા છે. સરકાર વિનામૂલ્યે વતન મોકલી રહ્યાં છે, તે અંગેની મને ખબર નથી. પરપ્રાંતીયોઓને વિનામૂલ્યે મોકલવાની સરકારની પોલ ખુલ્લી પડી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પરપ્રાંતીયોને સરકારના ખર્ચે વતન મોકલવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સરકારના જ પોલીસ વિભાગ દ્વારા પરપ્રાંતીયોઓને તેમના વતન મોકલવા માટે ટિકિટનું ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું. સમા પોલીસ દ્વારા 545 પરપ્રાંતિયો પાસેથી 700થી લઇને 1200 રૂપિયા સુધીનો ભાડુ વસૂલ કરીને વતન મોકલવામાં આવતા સરકારની પરપ્રાંતીયોઓને વિનામૂલ્યે મોકલવાની પોલ ખુલ્લી પડી ગઇ છે.