- વિદ્યાર્થિનીનું SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
- સહપાઠીઓની મૃતકના પરિવારને આર્થિક વળતર આપવાની માગ
- સુપરિટેન્ડન્ટ ઓફિસ બહાર વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર
વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત કોરોના કેર સેન્ટરમાં ફરજ બજાવી રહેલી ફિઝિયોથેરાપીની વિદ્યાર્થિની નેહલ રાઠવા કોરોના સંક્રમિત થતા તેણીને SSG હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન ગુરૂવારે તેણીનું મોત નિપજતા બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સુપરિટેન્ડન્ટ ઓફિસ બહાર ભેગા થયા હતા અને મૃતકના પરિવારજનોને આર્થિક વળતર આપવાની સાથે સાથે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની વિવિધ માગને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી.
કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતી વિદ્યાર્થિનીનું કોરોનાથી મોત, હોસ્પિટલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો જાણો શું કહે છે, મૃતકના સહપાઠીઓ?
મૃતક નેહલ રાઠવાના સહપાઠીઓએ જણાવ્યું હતું કે, તેણીની તબિયત નાદુરસ્ત હોવા છતાં કોવિડ ડ્યુટી સોંપવામાં આવી હતી. ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ પાસે કોરોના વોર્ડમાં દર્દીઓના ડાયપર બદલાવવા, પાણી પીવડાવવા સહિતની કામગીરી કરાવવામાં આવે છે. અમારી સાથી કોરોના સંક્રમિત થતા SSGમાં તેણીની સારવાર ચાલું કરવામાં આવી હતી. જેમાં ગુરૂવારે તેણીનું મોત નિપજ્યું હતું. તેણીએ કોરોના દર્દીઓની કરેલી સેવા બદલ પરિવારને કોઈ વળતર આપવામાં આવ્યું નથી. અમારી માગ છે કે, કોરોના વોરિયર તરીકે ફરજ બજાવનાર નેહલના પરિવારને આર્થિક વળતર આપવામાં આવે.
ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની માગ
- ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની અન્ય તબીબોની જેમ નોંધ લેવામાં આવે અને તે રીતે આર્થિક ચૂકવણી કરવામાં આવે.
- દિવસની 15 કલાકની ડ્યુટીની જગ્યાએ અન્ય ડોક્ટરોની જેમ દિવસના 7 કલાકની ડ્યુટી સોંપવામાં આવે.
- સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્ટાઈપન્ડ મુજબ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને પણ ચૂકવણી કરવામાં આવે