વડોદરાઃ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચાલી રહેલી કામગીરી અંતર્ગત માટી ખોદકામના ઇજારદારે પાદરા મામલતદાર પાસે કામગીરીનો અભિપ્રાય માંગ્યો હતો. જેમાં પોઝિટિવ અભિપ્રાય આપવા માટે મામલતદાર જી.ડી.બારીયા અને નાયબ મામલતદાર (વહીવટ) કે.જે.પારગી દ્વારા રૂપિયા 1 લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, ઇજારદારે આ અંગે વડોદરા ગ્રામ્ય ACBમાં ફરિયાદ નોંધાવી હતી.
પાદરા તાલુકા સેવા સદનના મામલતદાર અને નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા - Vadodara Rural ACB
વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માટી ખોદકામની કામગીરી અંગે પોઝિટિવ અભિપ્રાય આપવા માટે રૂપિયા 1 લાખની લાંચ લેતા પાદરા તાલુકા સેવાસદનના મામલતદાર જી.ડી.બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેને લઈ લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ફરિયાદના આધારે ACB દ્વારા મંગળવારે પાદરા મામલતદાર કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ઈજારદાર લાંચ આપીને કચેરીની બહાર નિકળતાં જ ACBની ટીમે મામલતદાર જી.ડી. બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ACBએ બન્ને લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ACB દ્વારા લાંચિયા મામલતદાર અને નાયબ મામલતદારના નિવાસ સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.