વડોદરા: દેશના સૌપ્રથમ કિન્નર સમાજના મહામંડલેશ્વર બનવાનું સન્માન મહામંડલેશ્વર હેમાંગી સખીને પ્રાપ્ત થયું છે. તેમણે Etv Bharat સાથે પોતાના જીવનની સફર, UP વિધાનસભા ચૂંટણી અને રાજ્યમાં ગુજરાત કિન્નર કલ્યાણ બોર્ડના ગઠન અંગે વાતચીત કરી હતી.
ગુજરાત કિન્નર કલ્યાણ બોર્ડનું ગઠન થાય તેવી માગ
ગુજરાત કિન્નર કલ્યાણ બોર્ડના ગઠન અંગે મહામંડલેશ્વર હેમાંગી સખીએ કહ્યું કે, જેમ ઉત્તરપ્રદેશમાં સરકાર દ્વારા બોર્ડ બનાવવામાં આવ્યું છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આ બોર્ડ બને તેવી માગ કરીએ છીએ. આ બોર્ડ બનશે તો રાજ્યમાં આમતેમ ભટકતા કિન્નર સમાજના ઉત્થાન તેમજ આરોગ્ય, શિક્ષણ, રહેઠાણ વગેરે જેવી યોગ્ય રીતે પ્રાથમિક સુવિધાઓ મળી શકશે. આ સાથે જ હેમાંગી સખીએ જણાવ્યું હતું કે, હાલમાં જ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેને કેન્દ્રીય કિન્નર બોર્ડના ગઠનની માગને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
પિતાને હાર્ટ એટેક આવ્યા બાદ પરિવાર વેર વિખેર થઈ ગયો
મહામંડલેશ્વર હેમાંગી સખીએ (Exclusive Interview Mahamandaleshwar Hemangi Sakhi) જણાવ્યું હતું કે, વડોદરા મારી જન્મભૂમિ છે. વડોદરાના પંચાલ પરિવારમાં મારો જન્મ થયો છે. મારા પિતા રાજેન્દ્ર બેચરભાઈ પંચાલ. મારા જન્મ બાદ માતા પિતા મુંબઈ લઇ ગયા હતા. મુંબઈમાં તેમનું ભણતર થયું છે. તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો અને મુંબઈની હોસ્પિટલમાં દમ છોડ્યો. જે બાદ પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. તેમના કાકા જગદીશ બેચરભાઈ પંચાલ તેમને પરિવાર સાથે વડોદરા લઈને આવ્યા હતાં.
ચોથા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો
હેમાંગી સખીએ કહ્યું કે, વડોદરાના આજવા રોડ પર માધવનગરમાં પિતાના જૂના મકાનમાં રહ્યાં હતાં. એક વર્ષ વડોદરામાં રહ્યા તે દરમિયાન જીવનસાધના હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ માતાને મુંબઇ પરત જવાની ઈચ્છા થતા ફરી મુંબઈ ગયા હતાં. જ્યાં માતાએ ફ્લેટ ખરીદ્યો. મુંબઈમાં પણ તેમનું ભણતર વિખેરાઈ ગયું. મુંબઈની શાંતિનગર હાઇસ્કૂલમાં તેઓ અભ્યાસ ન કરી શક્યા અને ચોથા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ભણતર છોડવાનું મુખ્ય કારણ માતા માનસિક બીમાર હતી અને નાની બહેન પણ હતી. માતાનું પણ થોડા સમય બાદ નિધન થયું. માતાના નિધન બાદ નાની બહેન બહેનના લગ્નની તમામ વ્યવસ્થા તેમને કરી આપી હતી.
માતા- પિતાના નિધન બાદ મંદિરના સત્તાધીશોએ દિલ્હી મોકલ્યા
હેમાંગી સખી માંએ વધુમાં ઉમેર્યુ કે, નાનપણથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે લગાવ હતો. ઘરની પાસે જ ઇસ્કોન હરે કૃષ્ણા મંદિર હતું અને આજે પણ મુંબઈના મીરા રોડ પર મંદિર છે. નાનપણથી જ મંગલા ચરણ કરતા હતા. મંદિર અને આધ્યાત્મિક તરફ ઝુકાવ વધ્યો હતો. પછી મંદિર આવવા જવાનું શરૂ થયું. પછી ભાગવતની શિક્ષા લીધી. ઇસ્કોનમાં નિયમ હોય છે. સવારે મંગલા ચરણથી લઈ ભાગવતમની શિક્ષા ગ્રહણ કરે છે. પછી સાંજે ભાગવત ગીતાની શિક્ષા ગ્રહણ કરે છે. આ તેમને 18 વર્ષની ઉંમરથી જ ગ્રહણ કરવાનું શરૂ કર્યું હતું. માતા- પિતાના નિધન બાદ મંદિરના સત્તાધીશોએ દિલ્હી મોકલ્યા. દિલ્હીથી ખબર પડી અહીંથી બે અઢી ત્રણ કલાકનો વૃંદાવનનો રસ્તો છે. તેમની વૃંદાવન જવાની બહુ ઈચ્છા હતી. તેમને ભાવ થયો કે તેમને વૃંદાવનમાં જ જીવન વિતાવવું છે. અને તેઓ દિલ્હીથી ચૂપચાપ વૃંદાવન પહોંચી ગયા.
વૃંદાવનમાં મુંબઈના જ તમામ પરિચિત મળ્યા
મને વૃંદાવનમાં ખબર ન હતી કે ક્યાં રહીશ, ક્યાં જમીશ, શું કરીશ કશું જ ખબર હતી નહીં પણ જ્યારે વૃંદાવન પહોંચ્યા ત્યાં હરે કૃષ્ણા મંદિર હતું. સૌ પ્રથમ ત્યાં ગયા. ત્યાં મુંબઈના જ તમામ પરિચિત મળ્યા. જે મંદિરના ચેરપર્સન છે, પ્રેસિડેન્ટ છે અને અન્ય ભક્તોએ કહ્યું તમે વૃંદાવન રહેવા માગો છે. જવાબમાં હા પાડતા તમામ વ્યવસ્થા વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણે ભક્તોના માધ્યમથી કરવી દીધી. રહેવા માટે મકાન વૃંદાવનમાં કરાવી દીધું, જમવા માટે રોટલી અને બીજી સેવા પણ કરાવી દીધી. ત્યાં જ રહેતા ગુરુ વૈદ વ્યાસ પ્રિયપ્રસાદ સ્વામી મહારાજથી પાસે દીક્ષા લીધી.
ગુરુ મહારાજે કહ્યું, સાયલન્ટ થઈને તમારી ભક્તિ કરો
હેમાંગી સખી માંના જણાવ્યા મુજબ સૌપ્રથમ કાર્તિક પૂર્ણિમાએ હરિ નામ દીક્ષા આપી. બીજી વખત બ્રાહ્મણ દીક્ષા આપી અને તેમને એ જ કહ્યું કે, હું ચાહું છું કે તમે આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધો અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉન્નતિ કરો. તો હવે તમને પ્રોપર આધ્યાત્મિક જ્ઞાન જોઈએ. જો સમાજમાં એ ખબર પડે કે મારો નેચર કિન્નર છે જે હું છું. તો કોઈ આશ્રમ કે સંસ્થા મને આશ્રમમાં આધ્યાત્મિક નોલેજ લેવા માટે પણ એન્ટર નહીં થવા દે. તો મે મારું ઓરિયન્ટેશન અંદર છુપાવીને રાખ્યું. કેમકે મારે જીવનમાં કઈ પ્રાપ્ત કરવું હતું. જોકે, ગુરુ મહારાજને શંકા ગઈ હતી. ગુરુ મહારાજ કઈ કહેતા ન હતા પરંતુ ખાલી એટલું કહેતા હતા કે, સમાજમાં આવી બધી એક્ટિવિટી ન થવી જોઈએ, સમાજ બહુ બધા નામ આપે છે. સમાજ તમારી ભાવનાઓને નહિ સમજે સમાજ બહુ બધા નામ આપશે. સાયલન્ટ થઈને તમારી ભક્તિ કરો.