- વડોદરામાં કોરોનાનો કહેર યથાવત
- દર્દીઓને ઘરનો ચા, નાસ્તો આપવા સંબંધીઓની લાંબી કતારો લાગી
- સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાઈ
વડોદરા: શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસમાં દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે પણ દર્દીઓના સંબંધીઓની લાંબી કતારો લાગી હતી. સયાજી હોસ્પિટલમાં ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ જણાવ્યું હતું કે, મારા પિતા સાજા થઈને વહેલી તકે ઘરે આવી જાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પિતા અને પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરુ થતાં નવા વર્ષની ઉજવણી પણ કરી નથી.
ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલ 800 કેસમાંથી 796 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવે નવા બેડ ઉભા કરવા શક્ય નથી. તે જ રીતે ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઈ છે. આ હોસ્પિટલોમાં હવે નવા દર્દીઓ આવી રહ્યા નથી. હવે આ હોસ્પિટલમાથી સાજા થઇને દર્દીઓ જઇ રહ્યાં છે અથવા તો મૃતદેહો થઈ નીકળી રહ્યા છે.
આ પણ વાંચો :ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નવા 6,690 કોરોનાના કેસ નોંધાયા