- રાજ્યમાં દારૂબંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂનો વેપાર
- સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા
- વડોદરામાં લાખોનો દારૂ ઝડપાયો
- 200 પેટી દારૂ સાથે 1 શખ્સની ધરપકડ
વડોદરા: રાજ્યમાં દારૂબંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂનો વેપાર થઈ રહ્યો છે. ઘણાં કિસ્સામાં દારૂનો વેપાર સ્થાનિક પોલીસની રહેમનજરે ચાલતો હોય તેવુ ફલિત થઇ રહ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વડોદરા શહેર બાદ હવે તાલુકામાંથી લાખોના દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.
રાજ્યમાં દારૂનો બેફામ વેપાર
વડોદરા તાલુકાની હદમાં ભીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાં મોટા પાયે દારૂના જથ્થાની હેરફેર થવાની ઘટના સામે આવી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા.
વડોદરામાં 200 પેટી દારુ ઝડપાયો, 1 શખ્સની ધરપકડ દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે
અંદાજીત એક ટ્રક ભરીને 200 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત એક કારમાં પણ દારૂ મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરીંગની ટીમે લાખોના દારૂના જથ્થાને કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.
અકોટા વિસ્તારની ઘટના
ઉલ્લેખનીય છે કે, તારીખ 4 ઓકટોબરના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે અકોટા વિસ્તારમાં દરોડા પાડ્યા હતો. જ્યાં ઘર અને કારમાં દારૂનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોત્રી પોલીસ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું હતું. આ બનાવની રાજ્યના DGP આશિષ ભાટીયાએ ગંભીર નોંધ લેતા ગોત્રી પોલીસ સ્ટેશનના PI એ.બી ગોહિલ અને PSI એચ.સી ગોહિલને તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. ત્યારબાદ હવે સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા તાલુકામાં દરોડા પાડી લાખોના દારૂના જથ્થાને ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.