વડોદરાઃ રેલવે તંત્ર દ્વારા આગામી 31મી ઓક્ટોબર સુધી રેલવે લાઇન શરૂ કરવા ઉપરી અધિકારીઓ દ્વારા સૂચનો અપાયા છે. ત્યારે એક ખેડૂત દ્વારા સાઠોદ નજીકથી ખેતરમાંથી પસાર થતી રેલવે લાઇન બાબતે જમીનને લઈને વિરોધ હતો. જે જમીન સંપાદન માટે આજરોજ રવિવારે રેલવે અધિકારીઓ અને પોલીસના મોટા કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી જમીન સંપાદન કર્યું હતું.
ડભોઈથી કેવડિયા સુધી નવી રેલવે બ્રોડગેજ લાઇન કેન્દ્ર સરકાર બનાવી રહી છે, જેના અનુસંધાને બે વર્ષ પૂર્વે ડભોઈથી ચાંદોદ ચાલતી નેરોગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરી ચાંદોદ અને કરનાળીથી કેવડીયા સુધી આ લાઇન લંબાવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી હતી જે હવે પૂર્ણ થવાને આરે છે.
રેલવે પ્રધાન જ્યારે ડભોઇ આવ્યા ત્યારે ફેબ્રુઆરી 2020માં આ લાઇનનું ઉદ્ધાટન કરી ડભોઈથી ચાંદોદ અને ડભોઇથી કરજણ રેલવે શરૂ કરવાની હતી. પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના પગલે કામ પૂર્ણ થઈ શક્યું નહીં. સાથે-સાથે ડભોઈથી ચાંદોદની બ્રોડગેજ લાઈન ઉપર સાહોદ નજીક કેટલીક વસાહતોના ખેડૂતો દ્વારા જમીન સંપાદનને લઈ વિરોધ પણ નોંધાવી રહ્યા હતા, જેથી રેલવે તંત્રને કામગીરી કરવામાં વિલંબ થયો હતો.
ડભોઇ-કેવડિયા રેલવે બ્રોડગેજ લાઇન માટે રેલવે તંત્ર દ્વારા સમજૂતિથી જમીન પર કબ્જો મેળવાયો હાલ જ્યારે ખેડૂતો અને રેલવે તંત્ર વચ્ચે સમજૂતિ થઈ જતાં બ્રોડગેજ લાઇનનું કામ પુનઃ શરૂ થયું છે, પણ એક ખેડૂત દ્વારા તેમની જમીનના બે ભાગ પડી જતાં હોવાને પગલે તે ખેડૂતે અરજી કરી હતી. આ અરજીનું નિરાકારણ રેલવેના અધિકારીઓએ લાવ્યું હતું. વધુ ખેડૂતો આનો વિરોધ ન કરે તે માટે જમીન સંપાદન કરવા અધિકારીઓ પોલીસના મોટા કાફલા સાથે પહોંચ્યા હતા અને જમીનનો કબ્જો લીધો હતો.
ખેડૂતોને આશા છે કે, રેલવે તંત્રમાંથી મળતી માહિતી મુજબ આશરે 31 ઓક્ટોબર સુધી આ લાઇનને શરૂ કરી દેવામાં આવશે. જે માટે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે કામ પૂર્ણ કરવા આદેશ કરાયા છે. આ પ્રસંગે નાયબ કલેક્ટર હિમાન્સ પરીખ, મામલતદાર જે.એન.પટેલ સહિતના રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.