- 1989માં ફી-પ્રવેશ મુદ્દે સ્કૂલ સામેના આંદોલનમાં પોલીસ પર હુમલાના કેસનો ચુકાદો
- કોર્ટે રાજયપ્રધાન સહિત 2 ને નિર્દોષ જાહેર કર્યા
- 31 વર્ષે પહેલાની ઘટનાનો ચુકાદો
વડોદરાઃ 31 વર્ષ પૂર્વેની ઘટનાનો કેસ અત્રેની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં જજ સી.પી.ચારણે રાજ્યપ્રધાન યોગેશ પટેલ અને સુરેશ રાજપુતને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે. આ કેસમાં કુલ 13 સાક્ષીઓ હતા. જે પૈકી 7 સાક્ષીઓના મોત થયા છે. ઇજાગ્રસ્તોની સારવાર કરનાર ડોક્ટરનું પણ અવસાન થયું છે.
વડોદરા શહેર પોલીસના જાહેરનામાનો ભંગ કરીને પોલીસ કર્મચારીઓ ઉપર તલવારથી હુમલો કરવાના 31 વર્ષ જૂના કેસમાં કોર્ટે રાજ્યકક્ષાના પ્રધાન સહિત બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજકીય નેતાઓ ઉપર ચાલતા કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે આદેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં આ કેસ એડિશનલ ચિફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં હુકમ થયો હતો.
જાણો સમગ્ર મામલો
1989માં સ્કૂલો સામે ફી તેમજ પ્રવેશ મુદ્દે આંદોલન ચાલતુ હતું.આ આંદોલન વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ હેઠળ ચાલતુ હતું. જેના પ્રમુખ નેતા તરીકે રાજ્યપ્રધાન યોગેશ પટેલ હતા. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા રાવપુરા રોડ ઉપર હવન રાખવામાં આવ્યો હતો અને તે હવન બાદ બલી રૂપે કોળાને વધેરવાનું હતું. જેમાં યોગેશ પટેલ, સુરેશ રાજપબત, ભોમનાથ સહિતના નેતાઓ તલવારો સાથે નીકળ્યા હતા. સ્કૂલો સામે ચાલી રહેલા ઉગ્ર આંદોલનના પગલે પોલીસ તંત્ર દ્વારા ચારથી વધુ એકઠા થવું નહીં, સભા-સરઘસ કાઢવા નહીં, તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના અગ્રણીઓ તલવારો સાથે જાહેર માર્ગ ઉપર નીકળ્યા હતા. તે સમયે પોલીસ તંત્ર દ્વારા તલવારો લઇને નીકળેલા નેતાઓને રોકવાનો પ્રયાસ કરતા કાર્યકરો દ્વારા ફરજ ઉપરના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ જવાનોને ઇજા પણ પહોંચી હતી. જે તે સમયે પોલીસ ઉપર તલવારથી થયેલા હુમલાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંકે તે સમયે રાવપુરા પોલીસ મથકમાં યોગેશ પટેલ તેમજ સુરેશ રાજપુત સામે ફરિયાદ નોંધાઇ હતી. જોકે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ અને સુરેશ રાજપૂતને નિર્દોષ જાહેર કર્યાં હતા.