- ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં પશુપાલકોને ભાવ ફેરના 27 કરોડ ચૂકવવા નિર્ણય
- પશુપાલકોની લડતનો સુખદ અંત આવતા ખુશીની લહેર ફેલાઈ
- ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ સ્થાને ઉત્સવનો માહોલ
વડોદરા : બરોડા ડેરી ( Baroda Dairy )ના પશુપાલકોને ભાવ ફેર આપવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (MLA Ketan Inamdar) ડેરી સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું, આ દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ( C R Paatil )ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પશુપાલકોને ભાવ ફેરના 27 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
પશુપાલકોએ ફટાકડાં ફોડી ઉત્સવ મનાવ્યો
બરોડા ડેરીના પશુપાલકોને ભાવ ફેર આપવાની માંગ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરી સામે ગુરુવારે હલ્લાબોલનું એલાન આપ્યું હતું. જોકે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ આવ્યો હતો. આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ માર્ચ 2022 સુધીમાં બરોડા ડેરી પશુપાલકોને 27 કરોડ ચૂકવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે.
પશુપાલકોના સમર્થનમાં આવ્યા હતા વડોદરાના તમામ ધારાસભ્યો
વડોદરા જિલ્લાની પ્રતિષ્ઠિત બરોડા ડેરીના વહીવટદારો દ્વારા સાવલી-ડેસર તાલુકાના પશુપાલકો પોતાના પશુઓની ચાકરી કરી મંડળીમાં યોગ્ય વળતરની આશાએ ગામમાં દૂધ ભરતાં હોય છે, પરંતુ ડેરી મંડળીના પ્રમુખો અને મંત્રીઓ દ્વારા પશુપાલકોને યોગ્ય વળતર નહીં ચૂકવાતું હોવાની ફરિયાદ સ્થાનિક ધારાસભ્યને કરવામાં આવી હતી, જે બાબતે પ્રથમ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર અને બાદમાં કરજણ, વાઘોડિયા, ડભોઇ, સહિતના ધારાસભ્યોએ પણ પશુપાલકોની લડતમાં સમર્થન આપ્યું હતું. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. આ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને આ મામલે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. અંતે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, બરોડા ડેરીના ચેરમેન, ઉપપ્રમુખ અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો વચ્ચે મળેલી બેઠકમાં વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.