- દંતેશ્વર ખાતે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનાવવામાં આવી
- રૂપિયા 11.26 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે ઓપન જેલ
- જેલમાં અત્યંત આધુનિક સુવિધાઓ
વડોદરાઃ શહેરના દંતેશ્વર ખાતે રૂપિયા 11.26 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનાવવામાં આવી છે. ઓપન જેલમાં કેદીઓ માટે મેડીટેશન હોલ, લાઈબ્રેરી, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર , ઓપન થિયેટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ઈન્ડોર ગેમ હોલ, યોગા હોલ, કિચન, બાર્બર શોપ, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડ્રીની પણ સુવિધા ઉભી કરાઈ છે. જેનું નજીકના દિવસોમાં ગૃહપ્રધાન પ્રદિપસીંહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે તેમ જેલના અધિકારીએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ જેલને ખસેડી નવી જેલ બનાવવા દંતેશ્વર ખાતે જમીન ફાળવાઈ હતી
શહેરની મધ્યમાં આવેલી વડોદરા સેન્ટ્રલ જેલને ખસેડી નવી જેલ બનાવવા વર્ષ 1970 માં દંતેશ્વર ખાતે જમીન ફાળવાઈ હતી, પરંતુ જમીનની વચ્ચોવચ ગટરના પાણીનો મોટો કાંસ પસાર થતો હોવાથી જેલ બનાવવાનું આયોજન માંડી વાળ્યું હતું. જે બાદ 103 એકરમાં ફેલાયેલી વિશાળ જમીનને દંતેશ્વર જેલ વાડી તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું હતું. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા - જુદા હેતુ માટે 13 એકર જમીન અન્ય સરકારી વિભાગોને ફાળવવામાં આવી હતી. જેથી જેલ તંત્ર પાસે 90 એકર જમીન બચી હતી.
વર્ષ 2015માં જેલનું બાંધકામ શરૂ કરાયું
જેલમાં સજા ભોગવતા કેદીઓને રોજગારી મળી રહે અને સજા પુરી કરી સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય તેવા હેતુથી દંતેશ્વર ખાતેની જગ્યામાં ઓપન જેલ બનાવવાનું નક્કી કરાયું હતું. જેની વર્ષ 2003માં સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જેને સરકારે છેક 2015 માં ધ્યાને લઈ મંજૂરી આપતાં ઓપન જેલનું બાંધકામ શરૂ કરાયું હતું. તાજેતરમાં ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનીને તૈયાર થઈ ગઈ છે. ઓપન જેલમાં ફરજ બજાવનારા કર્મચારીઓ માટે 1.19 એકરમાં કુલ 9 ષ્પોટર્સ બનાવવામાં આવ્યા છે . તેમજ જેલની ગતિવિધિ પર વૉચ રાખવા બે હાઈ માસ્ટ પોલ પણ ઉભા કરાયા છે. હવે, આ ઓપન જેલનું ઉદ્દઘાટન ક્યારે થાય તેની રાહ જોવામાં આવી રહી છે.